દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુનું આજે શનિવારે સવારે 9.45 કલાકે દ્વારકા ખાતે આગમન થયું છે. દ્વારકા હેલિપેડ ખાતે તેમનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દ્વારકાના કલેક્ટર મુકેશ પંડ્યા તથા એસ.પી. નિતેશ પાંડેએ ગરીમા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પરિવારજનો સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ આની સાથે સાથે દ્વારકિધિશના પણ દર્શન કરશે, તેમજ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે.
ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકા હેલિપેડ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી, તેમજ એમ્બ્યુલન્સ, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ, તેમજ ફાયર ફાઇટર્સ વેહિકલ્સ સાથે ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ જામનગર એરફોર્સના અધિકારીઓ તહેનાત રહ્યા હતા. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરું મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે પધાર્યા હતા. અહીં તેઓનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી 14 કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે શનિવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી.
નાગેશ્વર જ્યોતિર્લિંગની વિશેષ પૂજન-અર્ચના કરી
આ વેળાએ હર્ષવર્ધનભાઈ અને રાધાબહેન, રવિભાઈ તેજા અને નિહારિકા બહેન સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. સાથે ઉપરાષ્ટ્રપતિએ મંદિર પરિસરની મુલાકાત લઇ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી. આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લાના અગ્રણીઓ યુવરાજસિંહ ગઢવી અને મયુરભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
નાગેશ્વર મંદિરના મહંત ગીરધર ભારથી, મહેન્દ્રભારથી, ભીખુભાઇ ભોગાયતા, પવનભાઇ મિશ્રા, જયદીપભાઇ ગોસ્વામી, જ્યોત્સનાબેન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે નાગેશ્વર મહાદેવની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.