ઘવાયેલા કબૂતરને તાકીદની સારવાર અપાઈ...
ખંભાળિયામાં ગઈકાલે રવિવારે આકાશમાં ઉડતી પતંગની ચાઈનીઝ દોરીના કારણે સાંજના સમયે એક કબૂતર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું હતું. ખંભાળિયામાં ગત સાંજે એક કબૂતર અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોવા અંગેની જાણ અહીંના સેવાભાવી યુવાન અનિલ પુરોહિત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યને કરવામાં આવતા ટ્રસ્ટના રામદેભાઈ ગઢવી તાકીદે આ સ્થળે દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કબૂતરને સરકારી વેટરનીટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર દ્વારા આ કબુતરને તાકીદની સારવાર આપવામાં આવી હતી.
ભાણવડમાં મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ...
ભાણવડ તાલુકાના વેરાડ ગામના વાડી વિસ્તારમાં રહેતા ઇન્દુબેન નાગજી પાથર નામના 40 વર્ષના મહિલા ગત તારીખ 7મીના રોજ તેમના પિતા નાગજી પાથરની વાડીએ હતા. દરમિયાન જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા ભાવેશ નાનજી દવે, માનપર ગામના નગા મારખી બેરા, જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામના મુકેશ તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ તેમની વાડીએ આવ્યા હતા. આ ચાર શખ્સોએ તેમની વાડીમાં અપપ્રવેશ કરી, વાડીનો કબજો ખાલી કરવા બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો.
એટલું જ નહીં, આરોપી શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે ઈન્દુબેનની ફરિયાદ પરથી એક અજાણ્યા સહિત ચાર શખ્સો સામે આઈ.પી સી. કલમ 324, 323, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકામાં ચાઈનીઝ દોરી સાથે બે શખ્સો ઝડપાયા...
દ્વારકાના રામપરા વિસ્તારમાં રહેતા વિજય રમુભા મકવાણાના કબજામાંથી પોલીસે એક ચાઈનીઝ ફિરકી તથા રાજપૂત સમાજ પાસે રહેતા રણજીત વજાભા જામ પાસેથી ચાઈનીઝ દોરીના ચાર ફિરકા કબજે કરી, ઉપરોક્ત બંને શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.