દેવભૂમી દ્વારકામાં ગુનાખોરી સતત વધી રહી છે. દરરોજ મારામારી, અકસ્માત, પ્રોહિબિશન વગેરેના કેસ નોંધાઈ રહ્યાં છે. દ્વારકા નજીક બે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમા એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે. ઉપરાંત નાગેશ્વર વિસ્તારમાં મારામારી, સગીરાને ફુસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવાની ઘટના સામે આવી છે. પોલીસે આ તમામ મામલાઓમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
19 વર્ષીય યુવાનનું મોત
દ્વારકાથી આશરે 22 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ પાસે મોટરસાયકલ પર જઈ રહેલા ગાંધીનગર તાલુકાના ડભોળા ગામે રહેતા હર્ષ શંકરભાઈ ખત્રી નામના 19 વર્ષના યુવાનનું અકસ્માત થતા ગંભીર ઇજાઓ થઈ હતી. તેના તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજા ગંભીર હોવાથી આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે યુવાનો પુનિત વિનોદભાઈ ઠાકોર અને બહાદુર જસુજી ચૌહાણ નામના બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
ડમ્પરે પીકઅપ વાનને ટક્કર મારી
દ્વારકાથી આશરે 18 કિલોમીટર દૂર ચરકલા ગામ નજીકથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા ડમ્પર ટ્રકના ચાલકે પીકઅપ વાનની પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ વાનના ચાલક રોહિત અનિલભાઈ ચૌહાણ તથા તેમની સાથે જઈ રહેલા લોકેશ ભાયાણીને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ થતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાય હતી. અકસ્માત સર્જી આરોપી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. દ્વારકા પોલીસે ડમ્પર ચાલક સામે આઈપીસી કલમ 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીના પ્રકરણમાં સાત શખ્શો સામે ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર મંદિર નજીક સોમવારે બપોરે થયેલી મારામારીના પ્રકરણમાં ગત સાંજે સામાપક્ષે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના નાગેશ્વરવાડી વિસ્તારમાં રહેતા રાણાભા કારૂભા માણેક નામના 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન નાગેશ્વર મંદિર વિસ્તારમાં થયેલી બોલાચાલીના સંદર્ભે આરોપી હરીશભારથી ફૂલભારથીને સમજાવવા ગયા હતા. હરીશભારથી ફૂલભારથી સાથે તેમના પુત્ર નયનભારથી, પ્રકાશભારથી ફૂલભારથી, ધવલભારથી, રવિભારથી શૈલેષભારથી, યશભારથી વિજયભારથી તથા દીક્ષિતભારથી શૈલેષભારથી નામના સાત શખ્સોએ ફરિયાદી રાણાભા માણેકની લારી પાસે જઈ અને તેમના સાળા શૈલેષભાને બિભત્સ ગાળો બોલી, ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ચાઈનીઝ દોરા સાથે બે ઝડપાયા
ભાણવડના હાઈસ્કૂલ ચોક પાસે રહેતા હિમાંશુ રમેશભાઈ સૂચકને નવ નંગ ચાઈનીઝ દોરાના ફિરકાઓ સાથે તેમજ બસ સ્ટેન્ડ સામેના ભાગે રહેતા પરાગ જયસુખભાઈ પિઠીયાને ચાઈનીઝ દોરા તથા ચાઈનીઝ તુક્કલ સહિત કુલ 3,650 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ બંનેની સામે કાર્યવાહી કરી હતી.
દ્વારકામાં શંકાસ્પદ શખ્સ ઝડપાયો
દ્વારકાના ટીવી સ્ટેશન ચોકડીથી આગળના ભાગે મોડી રાત્રીના સમયે દુકાનોના તાળા તપાસતા તેમજ તાળા તોડવાના સાધન સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ગોવિંદ મનજીભાઈ મકવાણા સામે દ્વારકા પોલીસે જી.પી. એક્ટની કલમ 122 (સી, ઈ) મુજબ કાર્યવાહી કરી હતી.
સગીરાના અપહરણ મામલે શખ્સ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ 10 માસની સગીર પુત્રીને દ્વારકાના કાનદાસ બાપુના આશ્રમની પાછળના ભાગે રહેતા મનીષ ઉર્ફે મનીયો રમેશભાઈ પરમાર નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને સગીરાને લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતાએ કલ્યાણપુર પોલીસમાં નોંધાવી છે.
ટ્રેક્ટર પૂરઝડપે ચલાવતા શખ્સ સામે ગુનો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા રાજુ કાનાભાઈ હરિયાણીને ટ્રેક્ટર પૂરઝડપે ચલાવીને નીકળતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત આરાધનાધામ પાસેથી મહેશ કિશોરભાઈ સોલંકીને પોતાનો છકડો ગફલતભરી રીતે ચલાવતા ઝડપી લઇ, વાડીનાર મરીન પોલીસે તેની સામે એમ.વી. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
માદક પદાર્થના વિવિધ કેસ
ખંભાળિયા તાલુકાના આરાધના ધામ પાસેથી અનિલ મનસુખભાઈ સોલંકી નામના 19 વર્ષના શખ્સને તેમજ વિજયપુરના પાટીયા પાસે રહેતા ભોજા બાલુ ડગરા નામના 39 વર્ષના શખ્સને અમે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા જયકિશન જગદીશભાઈ ગોસાઈ (ઉ.વ. 29) ને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા વિક્રમસિંહ રાયસંગજી જાડેજા નામના 50 વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે એક લીટર દેશી દારૂ તથા દાતા ગામની ગોલાઈ પાસેથી તેજપાલ નાથસુર સોમાત નામના ત્રીસ વર્ષ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 200 ની કિંમત અને 10 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ચેતનાબા હેમતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી, પોલીસે 5 લીટર દેશી દારૂ તથા 100 લિટર દારૂનો આથો કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.