રાહત:ખંભાળિયામાં ફરસાણના ભાવ કિલોએ રૂા.40 ઘટાડવા વેપારીઓ સંમત થયા !

ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆત બાદ મામલતદાર સાથે મીટિંગમાં લેવાયેલો સ્વૈચ્છીક નિર્ણય
  • ફરસાણના દુકાનદારો- રેંકડીધારકો ગાંઠિયાના રૂપિયા 400ને બદલે 360 લેશે, ભાવ પત્રક પણ લગાવાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરસાણના વેપારીઓ, રેંકડી ધારકો ગ્રાહકો પાસે ગાંઠિયાના પ્રતિ કિલો રૂ.400 વસુલતા હોવાની બાબતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દિલીપસિંહ ચાવડા દ્વારા જીલ્લા સમાર્હતાને ગેરવ્યાજબી ભાવ વધારા પર નિયત્રણ લાવીને ગ્રાહકોનું શોષણ થતું અટકાવવા રજુઆત કરી હતી.

જે રજુઆતના પગલે જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદારને ઘટતા પગલાં લઇ ફરસાણ ધારકોની બેઠક રાખી વ્યાજબી ભાવ બાંધણું કરવા જણાવ્યુ હતુ.જેના અનુસંધાને તા.12ને ગુરૂવારના રોજ ખંભાળિયાના મામલતદારએ ફરસાણ ના વેપારીઓ અને રેંકડી ધારકો સાથે એક બેઠક યોજી વ્યાજબી સ્વૈચ્છીક રીતે ફરસાણના ભાવ ઘટાડવા સૂચન કર્યુ હતુ.

જેમાં વેપારીઓ અને રેંકડી ધારકોએ હવે 400ની જગ્યાએ 360 રૂપિયા ભાવ નક્કી કરતા હવે ગરમ ગાંઠીયાના ભાવમાં રૂ.40નો ઘટાડો કરવામાં આવશે. તેમજ ભાવ ગ્રાહક જોઈ શકે તેમ બોર્ડ રાખવા, દુકાન રેંકડીઓમાં સ્વચ્છતા રાખવા મામલતદારએ સૂચન કર્યુ હતુ. જે વેપારીઓ અને રેંકડી ધારકોએ માન્ય ગણી હવે ગરમ ગાંઠિયાના રૂ.360 લેવામાં આવશે તેમજ અન્ય ફરસાણના 280 લેવામાં આવશે એમ સહમતિ પણ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...