મેઘરાજા ઓળઘોળ:કલ્યાણપુરમાં સાડા ત્રણ, ખંભાળિયામાં અઢી ઇંચ વરસાદ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેહ - Divya Bhaskar
બેહ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાને ધમરોળતા મેઘરાજા, બેહમાં આઠ ઇંચ,ભાતેલમાં સાડા પાંચ ઇંચ વરસાદ
  • દ્વારકામાં પોણો ઇંચ,ભાણવડ-જામજોધપુર-લાલપુરમાં હળવા ઝાપટા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારથી મંડાયેલા મેધરાજા ફરી મુશળધાર વરસતા કલ્યાણપુરમાં સાંજ સુધીમાં ધોધમાર સાડા ત્રણ ઇંચ તો ખંભાળિયામાં બે કલાકમાં જ અઢી ઇંચથી વધુ વરસાદ વરસી જતા માર્ગો ફરી જળબંબોળ બન્યા હતા.બેહ ગામે મોડી રાતથી સવાર સુધી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.ભાતેલમાં સવારથી બપોર સુધીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકાદ દિવસના વિરામ બાદ મોડી રાત્રીથી ફરી વરસાદ શરૂ થયો હતો.ખંભાળીયા-કલ્યાણપુર પંથકના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાથી નદી નાળામાં ઘોડા પુર ઉમટ્યા હતા.

જુદા જુદા ડેમો ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા. કલ્યાણપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં ચાર કલાકમાં અઢી ઇંચ સાથે બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલુ પાણી વરસી ગયુ હતુ જેના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.ગ્રામ્ય પંથકમાં પણ ઘીંગો વરસાદ વરસ્યો હતો.ખંભાળીયામાં ગુરૂવારે બપોરે બારથી બે વાગ્યા સુધી કડાકા ભડાકા સાથે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો પર નદીના ધોધ જેમ પાણી વહ્યા હતા.

પોર ગેઇટ, રામનાથ સહિત નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓ ઉભી થઇ હતી.યાત્રાધામ દ્ારકામાં પણ બપોર સુધીમાં વધુ પોણો ઇંચ વરસાદ પડયો હતો.જયારે ભાણવડમાં દિવસ દરમિયાન હળવા ઝાપટા વરસ્યા હતા. જામનગર જિલ્લાના જામજોધપુરમાં રાત્રી બાદ સાંજ સુધીમાં વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે લાલપુરમાં હળવા ઝાપટા પડયા હતા.

બેહમાં ધોધમાર વરસાદ, ખેતરો જળબંબોળ
ખંભાળીયાના બેહ ગામે મોડીરાત્રે અનરાધાર વરસાદ ખાબક્તા સવાર સુધી આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે બેહ ગામના મુખ્ય બે રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા. બેહથી બારાનો રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવાયો છે. ભારે વરસાદના કારણે જુંગીવારા ધામ ખાતે પટમાં અઢીથી ત્રણ ફુટ પાણી ભરાઈ ગયા હતા અને ખેતરો નદીમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોનો સંપર્ક કરી ગામમાં રહેવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ગામમાં નુકશાની સર્વે હાથ ધરી તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી.

ગઢકી
ગઢકી

ગઢકી, શેઢા ભાડથરી ડેમ ઓવરફલો
દ્વારકા જિલ્લામાં અષાાઢ માસના આરંભ સાથે જ પુષ્કળ વરસાદ વરસતા ખંભાળીયા તાલુકાના સિધ્ધપુર ગામે આવેલો ગઢકી ડેમ સૌ પ્રથમ ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ કલ્યાણપુર તાલુકાનો શેઢા ભાડથરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઘી, સોનમતી અને સિંહણ ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઇ છે. અષાઢના પ્રથમ દિવસથી મેઘમહેર સાથે દ્વારકા પંથકમાં વાવણી લાયક વરસાદથી શરૂઆત થઇ હતી.જેબાદ એકાદ-બે દિવસના વિરામ બાદ અવિરત વરસાદના કારણે અનેક નાના મોટા જળાશયો નવા નિરથી છલકાયા છે. ગઢકી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુરૂવારે વહેલી સવારે ડેમ ઓવરફ્લો થયો હતો.

શેઢા ભાડથરી
શેઢા ભાડથરી

તકેદારીના પગલે તાલુકા વિકાસ અધિકારી એ.આઈ.શેખએ ગઢકી ડેમની પરિસ્થિતિની નિરીક્ષણ કરી હેઠવાસમાં આવતા સિધ્ધપુર, ધૂમથર સહિતના ગામોના લોકોને ડેમના પટ વિસ્તારમાં નહિ જવા અપીલ કરી હતી. ત્યારબાદ શેઢા ભાડથરી ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના કાનપર શેરડી, ચપર, હરિપર સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. દ્વારકા જિલ્લામાં ઘી, સિંહણ સહિતના ડેમો 70થી 80 ટકા જેટલા ભરાયા છે.

સોનમતી ડેમ છલોછલ
ભાણવડના જામપર પાસેનો સોનમતી ડેમ 100 ટકા ભરાયો છે. આવક વધતા ઓવરફલો થવાની શકયતા હોવાથી હેઠવાસના આંબલિયારા, ભેનકવડ, જામપર, સેવક દેવળીયા, નવાગામ, રાણપરડા અને રૂપામોરાના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...