દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ગઈકાલે રવિવારે સાંજે સતવારા જ્ઞાતિના એક પરિવારજનોની જગ્યા પાસેના પ્લોટ પર સતવારા તથા દલિત સમાજના વ્યક્તિઓ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું.
કથિત રીતે દિવાલના બાંધકામ બાબતે તકરાર થઈ જતા બંને જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં પથ્થરમારાનો પણ બનાવ બનતા આ બધડાટીમાં મહિલાઓ સહિત આશરે 8 થી 9 જેટલા લોકોને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
નાના એવા રાણ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ બનાવ અંગે મોડીરાત્રી સુધી પોલીસ ફરિયાદ થઈ ન હતી. આ પ્રકરણમાં પોલીસે અટકાયતી કાર્યવાહી કરી હતી અને સામ-સામા પક્ષે પોલીસ ફરિયાદ થવા અંગેની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મેઘાભાઈ પુંજાભાઈ વાઘેલા નામના 50 વર્ષિય અનુસૂચિત જાતિના આધેડ દ્વારા આ જ ગામના નાનજીભાઈ પ્રેમજીભાઈ, માવાભાઈ હડિયલ, જેરામભાઈ રત્નાભાઈ, રણમલભાઈ ડાયાભાઈ, ચંદુભાઈ ઉકાભાઈ, મનજીભાઈ હરજીભાઈ, માવાભાઈ જેસાભાઈ, રૂડાભાઈ રત્નાભાઈ, હરજીભાઈ કેશાભાઈ, મોહનભાઈ નાથાભાઈ, કુરજીભાઈ જેરામભાઈ, કિશોરભાઈ જેસાભાઈ, કાળુભાઈ માધાભાઈ, છગનભાઈ પ્રેમજીભાઈ તથા અન્ય 10 થી 15 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જ્યારે સામા પક્ષે રાણ ગામના રહીશ સતવારા લાલાભાઈ શામજીભાઈ રાઠોડ (ઉ.વ. 39) દ્વારા મેઘાભાઈ પુંજાભાઈ, દુલાભાઈ પુંજાભાઈ, ભોજાભાઈ પુંજાભાઈ, રાણાભાઈ પુંજાભાઈ, અશોકભાઈ મેઘાભાઈ તથા અન્ય આશરે સાત જેટલા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી લાલાભાઈના સમાજનો ગેટ હોય, આ ગેટ મેઘાભાઈ પુંજાભાઈના પ્લોટમાં હોવાનું કહી, આ ગેટ તેઓને પસંદ ન હોવાથી ફરિયાદી લાલાભાઈ તથા તેમની જ્ઞાતિના અન્ય લોકો વંડામાં એકત્ર થયા હતા, ત્યારે આરોપી શખ્સોએ પથ્થરોના ઘા કરી ઈજાઓ કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં પણ પોલીસે રાયોટિંગ સહિતની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે. જેની તપાસ પી.એસ.આઈ. સવસેટા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.