ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ માવજતના અભાવે જર્જરીત બન્યો છે. ગોમતી ઘાટ લાંબા સમયથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. ઘાટના પથ્થરો પણ તૂટી ગયા છે. જેને કારણે શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓનો આક્ષેપ છે કે ઘાટ પર પાયાની સુવિધાનો અભાવ છે. છેલ્લા બે વર્ષથી ગોમતી ઘાટ પર ચેન્જીંગ રૂમ ન હોવાથી મહિલાઓને હેરાન થવાનો વારો આવે છે. આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. દ્વારકામાં વારે તહેવારે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટે છે. દર્શનાર્થે આવતા ભકતો ગોમતી નદીમાં સ્નાન કરવાનો લ્હાવો અચૂક લે છે. પરંતુ ગોમતીની દુર્દશા અને ગંદકી જોઇને ભક્તોમાં ઘણો રોષ વ્યાપ્યો છે.
ઘાટ પર મહિલા ચેન્જંગ રૂમ, સીસીટીવી સહીત પાયાની સુવિધાનો પણ અભાવ
ઘાટ જર્જરિત બનતા સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરાઈ હોવા છતા તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. મહિલાઓની પણ રજૂઆત છે કે ઘાટ પર મહિલા ચેન્જ રૂમ સહિતની પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. આ ઉપરાંત અહી સીસીટીવી કેમેરા પણ ના હોય ચીક્કાર ગીર્દીના સમયે ચોરીના બનાવો પણ બનતા રહ્યાં હોય ત્યારે તંત્ર આ બાબતે પણ યોગ્ય કરે તે જરૂરી જણાય છે.
સ્થાનિક તંત્ર દ્વારા માવજતના અભાવે ઘાટની દયનીય હાલત
સરકાર એક તરફ ધાર્મિક સ્થળોએ સુવિધાઓ વધારી પ્રવાસન વધુને વધુ વિકસે તેના પર ભાર મુકી રહ્યા છે. તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક તંત્રની ઉદાસીનતાને કારણે આજે ઘાટની હાલત દયનીય બની છે. જર્જરીત ઘાટ હોવા છતા અહીં તંત્રની હજુ આંખ ખૂલતી નથી. ગોમતી ઘાટ પર રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવે છે. પુરાણોમાં પણ ગોમતીમાં સ્નાનનું અનેરૂ મહત્વ છે પરંતુ અહીં પાયાની સુવિધા ન હોવાથી લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. હાલમાં ઘાટ રીપેર કરવા તજવીજ તંત્રે શરુ કરી છે પરંતુ અનેક ઘાટો સાથે ઘાટ પર પગથીયાઓ પણ જીર્ણ હાલતમાં હોય ત્યારે તંત્રની કામગીરી ગાબડા પુરવા જેવી ના બનતા યાત્રિકોની સુવિધામાં વધારો થાય તેવી હોય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.