હાલાકી:ખંભાળિયાથી કલ્યાણપુરને જોડતો માર્ગ બન્યો બિસ્માર, વાહનચાલકો ત્રાહિમામ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાકાય વાહનો પસાર થવાથી માર્ગ પર અનેક જગ્યાએ પડયા નાના મોટા ખાડા, મુસાફરો ત્રસ્ત
  • વરસાદ બાદ ભારે વાહનો પસાર થતા ઠેર ઠેર ગાબડા, આઠથી દસ ગામના લોકોની માર્ગ પર રોજીંદી અવરજવર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયાથી કલ્યાણપુર તાલુકાને જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઇ છે.ખાસ કરી પીપળીયા અને માધુપુર ગામ પાસે ભારે વાહનો પસાર થવાનાં કારણે ઠેર ઠેર ખાડા ખડબા પડ્યા હોવાના કારણે રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળી રહયો છે.જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

આ અંગે જાગૃત નાગરિક ખીમાભાઇ રૂડાચએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી કલ્યાણપુર તાલુકાને જોડતા આ રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે.થોડા સમય અગાઉ આ રસ્તો રિપેર થયો હતો પરંતુ વરસાદ બાદ આ બાજુ ઊર્જાના કામ માટે ચાલતા ભારે વાહનોની અવરજવર ને કારણે રસ્તામાં ગાબડા પડયા છે .

ઉપરોકત માર્ગ પરથી પીપળીયા, માધુપુર, જુવાનગઢ, મોવાણ, ખીજદળ, જામપર, માંગરીયા, માળી, કંનકપર સહિતના લગભગ આઠ થી દસ ગામોના લોકોની મોટી સંખ્યામાં અવર જવર છે. ત્યારે દરરોજ ઉકત માર્ગ પર પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે આ સમસ્યાનું જલ્દી નિવારણ આવે તેવી માંગ છે.

હાલ આ રસ્તા પર ઠેર ઠેર ખાડા થી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બીજી બાજુ માર્ગ પર અનેક સ્થળે નાના મોટા ગાબડાની મરામત માટે પણ લોકમાંગણી ઉઠી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિના મુખ્ય મથકને જોડતા મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં વાહનોનું આવાગમન રહે છે. જે પ્રવાસીઓને બિસ્માર માર્ગથી હાલાકીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...