ખંભાળિયા પંથકનું ગૌરવ વધાર્યું:શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ તનતોડ મહેનત કરી ન્યાયાધીશ બની

દ્વારકા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના નાના એવા ગામની દીકરીએ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા પરિવારની પુત્રીએ તનતોડ મહેનત કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી પામી છે. આ સિદ્ધિ બદલ તેણે અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય માટે ધ્યેય નક્કી કરો અને ધગશ સાથે મહેનત કરતાં રહો તમને યોગ્ય પરિણામ જરૂર મળશે.

પિતા માત્ર બે ધોરણ જ ભણેલા
પાર્વતી મોકરીયાના પરિવાર વિશે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં રહે છે અને તેઓ બ્રહ્મ સમાજમાંથી આવે છે. તેમના પિતા દેવરામભાઈ માત્ર બે ધોરણ ભણેલા છે, જ્યારે તેમની માતા ડાહીબેન નિરક્ષર (અભણ) છે. પિતા દેવરામભાઈ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ ખુબ ઓછી આવકમાં તેમની પુત્રીને ભણાવવાની સાથે તેમની દરેક જરૂરીયાતો પુરી કરી છે. આજે દીકરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે બે ધોરણ ભણેલા પિતાની પુત્રીએ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનીને ખંભાળિયા પંથક સાથે સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અભ્યાસકાળ દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બનવાનું નિર્ધાર કર્યું
પુત્રી પાર્વતી મોકરીયાએ જામનગર ખાતે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરી સાથે એડવોકેટ અનિલ મહેતાની ઓફિસમાં જુનિયર શીપ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન તેમણે ઉચ્ચ લક્ષ્ય રાખી અને મેજિસ્ટ્રેટ બનવાનો નિર્ધાર કર્યો હતો. આ ધ્યોય સાથે પાર્વતીએ સખત પરિશ્રમ કરી અને બીમાર અવસ્થામાં પણ તેણે પરીક્ષા આપી અને સારૂ પરિણામ મેળવ્યું હતું. તે બાદ મુખ્ય પરીક્ષામાં બે પેપરો દરમિયાન હાથમાં ફોલ્લા હોવા છતાં પણ તે પીડા સહન કરી સાથે ફોલ્લો ફોડી અને લોહી નીકળતી આંગળી વચ્ચે તેણીએ પરીક્ષા આપી હતી. જેમાં ઉતીર્ણ થઈ અને પાર્વતી મોકરીયાની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી થવા પામી છે.

યોગ્ય પરિણામ માટે વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ
આ સિદ્ધિ બદલ પાર્વતી મોકરીયા સાથે વાત કરતા તેણે વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય માટે પ્રથમ ધ્યેય નક્કી કરો અને ધગશ સાથે મહેનત કરતા રહો. સાથે યોગ્ય પરિણામ માટે વિદ્યાર્થીઓને ધીરજ રાખવા પણ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...