દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ અને નાવદ્રા બાદ શુક્રવારે વહીવટી તંત્ર દ્વારા ભોગાત ગામે ગેરકાયદે દબાણો દુર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં 100 જેટલા રહેણાંક, 30 કોર્મશિયલ અને બે ધાર્મિક સહિત 132 દબાણો દુર કરાયા હતા અને રૂ.26.40 લાખની કિંમતની 60 હજાર ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.
દેવભૂમિના યાત્રાધામ હર્ષદ-ગાંધવી બાદ નાવદ્રા દરીયાઇ કાંઠે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દુર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં શુક્રવારે કલ્યાણપુરના ભોગાત ગામે દરીયાઇ પટ્ટી પરના અનઅધિકૃત દબાણો દુર કરવામાં આવ્યા હતા. સવારથી જ શરૂ કરાયેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન મોડી સાંજ સુધીમાં વધુ 132 અનઅધિકૃત સ્થળ પર દબાણ દુર કરાયા હતા. જેમાં 100 જેટલા રહેણાંક, 30 કોર્મશિયલ અને 02 ધાર્મિક સહિતનો સમાવેશ થાય છે.જેમાં લગભગ 66 હજાર ચોરસ ફુટ જેટલી રૂ. 26.40 લાખ જેટલી કિમંતની સરકારી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.આ ડીમોલેશનમાં હીટાચી, જેસીબી સહિત 6 જેટલા આધૂનિક સાધનો કામે લાગ્યા હતા.
એક જ દિવસમાં ભોગાતના દરિયાઈ કિનારા પર એકી સાથે 132 જેટલી જગ્યાઓ તોડી પાડવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. દેવભૂમિ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી ઐતિહાસિક ડીમોલેશન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, તાલુકા મામલતદાર દક્ષાબેન રીંડાણીની રાહબારી હેઠળ ગુજરાતના ઇતિહાસમાં દાખલા રૂપ કહી શકાય તેવું ડીમોલેશન માનવામાં આવી રહ્યું છે. આ ડીમોલેશનનું બુલડોઝર હવે કઇ દિશામાં ફરી વળશે તે બાબતે સૌની મીટ મંડાઈ રહી છે.
દેવભૂમિમાં 1 સપ્તાહમાં 520 દબાણો ધ્વસ્ત
દેવભૂમિમાં ગત શનિવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં શુક્રવારે વધુ 66,000 ફૂટ સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરાયુ હતુ.એક સપ્તાહમાં અંદાજે રૂ. 6.19 કરોડની કિંમતની 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા પર ખડકાયેલા રહેણાંક, કોમર્શિયલ તથા ધાર્મિક મળી કુલ 520 દબાણો રેવન્યુ વિભાગે પોલીસ બંદોબસ્ત હેઠળ દુર કર્યા હોવાનુ બહાર આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.