ઘૂઘવતા દ્વારકાના દરિયાની મધ્યે 5500 વર્ષ જૂનું અતિ પ્રાચીન અને પૌરાણિક ભડકેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગ શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ અને પ્રવાસીઓનું માનીતું સ્થળ માનવામાં આવે છે. પોતાના જળથી નિત્ય ભગવાન શિવના ચરણ પખાળી શકે તે માટે વિપુલ જળરાશી વચ્ચે માત્ર એક જ પથ્થર પર વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની વચ્ચે પોતાની વિજય પતાકા લહેરાવતું આં મંદિર ઉભું છે. શ્રાવણ મહિનાના પગલે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે.
દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે
આ મંદિરની એક વિશેષતા એ છે કે ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં આ મંદિરનું શિવલિંગનું હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ શિવલિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ શિવલિંગ વર્ષોથી જેવું હતું તેવી જ ચમક અને આકાર ધરાવે છે, તેમાં કોઈ ફેરફાર જણાયો નથી. સમુદ્રની વચ્ચે હોવા છતાં આ શિવલિંગ પર કોઈ વાતાવરણ કે ખારાશની અસર જોવા મળી નથી. દર્શનાર્થીઓ આ શિવલિંગના દર્શન માત્રથી ધન્યતા અનુભવે છે. વળી મહાદેવના દર્શને આવતા લોકો, ભક્તો, પ્રવાસીઓ દર્શન કરી દરિયાની વિશાળતા અને આસપાસના વાતાવરણથી અંજાઈ જાય છે. દર્શન માટે આવેલા પ્રવાસી કલાકો સુધી અહી શાંતિ મેળવે છે.
મંદિરનું નવનિર્માણ તથા સરસ મજાની ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું
સરકારની યોજના "આગવી ઓળખ" સંદર્ભે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે દ્વારકા નગરપાલિકા દ્વારા અહી મંદિરનું નવનિર્માણ તથા સરસ મજાની ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો પ્રવાહ અહી વધ્યો છે. દરિયા વચ્ચે આ મંદિર આવેલું હોવાથી અહી ભરતી દરમિયાન પાણી મંદિરને ઘેરી વડે છે અને ઓટ આવતા જ પાણી ઉતરી જાય છે. હાલમાં થયેલા ફેરફારને પગલે મંદિર તરફ આવવા જવાના માર્ગો અને વ્યવસ્થામાં અનેક ફેરફારો કરાયા છે. જેના કારણે વધુ લોકો આ મંદિર દર્શન કરી પ્રાકૃતિક વાતાવરણ માણવા મોટી સંખ્યામાં આવી પહોચે છે.
દર શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે
દ્વારકાના આ ભડકેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સ્થાનિકો પૂજન અર્ચન કરવા પધારે છે. જ્યારે સાંજે પ્રવાસીઓ સાંજની નયનરમ્ય પ્રકૃતિ અને ચોપાટી સાથે દરિયાની વિશાળતાને જોઈને અચંબિત થઇ જાય છે. અહી આવતા દર્શનાર્થી હોય કે પછી પ્રવાસી તેમને વારંવાર આવવાનું મન થાય છે. આ શિવ મંદિરે અહી દર શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે. ત્યારે આસપાસના જિલ્લામાંથી એક લાખ ઉપરની સંખ્યામાં ભાવિકોની મેદની આ મજા માણવા ઉમટી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.