દ્વારકામાં શિક્ષક દિનની ઉજવણી:શિક્ષક દિન નિમિતે શિક્ષકોને સન્માનિત કરાયા; શિક્ષણ સાથે ઉત્તમ વિચારોનું વાવેતર કરતી કુરંગા પ્રાથમિક શાળા

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી આજરોજ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત યોગ હોલ ખાતે કરવામાં આવી હતી. આ શિક્ષક દિન સમારોહના અધ્યક્ષ સ્થાને અહીંના જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં નવચેતન શાળાની છાત્રાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર તેમના સ્વાગત પ્રવચનમાં શિક્ષક દિનનું મહત્વ સમજાવી, સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કવન વિશે વક્તવ્ય રજૂ કરી જિલ્લામાં શિક્ષણની સારી પરિસ્થિતિ અંગે ઉપસ્થિત સૌને જાણકારી આપી હતી.

શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા
આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ તેમના ગુરુનો તેમની કારકિર્દીમાં ફાળો યાદ કરી અને શિક્ષક હંમેશા શ્રેષ્ઠ જ હોય છે તેમ જણાવી શિક્ષકોને તેમની શ્રેષ્ઠતાનો ભાગ વિદ્યાર્થીઓને આપવા અનુરોધ કર્યો હતો. પોતાની લીટી લાંબી બનાવી અને સકારાત્મક ઉપાય અને ગુરુ ગોવિંદનું ઉદાહરણ તથા દ્વારકા જિલ્લામાં તેમના શિક્ષણના અનુભવો રજૂ કર્યા હતા. આ સાથે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવી, પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું.

શિક્ષકોનું સન્માન કરાયું
આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કલ્યાણપુરની હાઈસ્કૂલના દેવાયતભાઈ કરંગીયા, ભાણવડ તાલુકા શાળા નંબર 2 ના વાલીબેન વાઘેલા, જિલ્લાના શ્રેષ્ઠ સી.આર.સી. બરડીયા પ્રાથમિક શાળા (તા. દ્વારકા) ના જેંતીલાલ પ્રેમજીભાઈ નકુમ તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના ભરતસિંહ આર. રાઠોડ, ભાણવડ તાલુકા શાળા નંબર 4ના મુકેશચંદ્ર ચાવડા તથા કલ્યાણપુરની પટેલકા તાલુકા શાળાના ધરણાંતભાઈ કરમુરને સન્માનિત કરવામાં આવ્યા હતા.​​​​​​​

રાજ્યમાં જિલ્લાના 966 શાત્રોનો શ્રેષ્ઠ દેખાવ
રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 966 છાત્રો અને તેમના અભ્યાસ તથા પરિણામમાં શ્રેષ્ઠતા બદલ પ્રમાણપત્ર અપાતા તે પૈકીના 15 છાત્રોને આ કાર્યક્રમમાં સન્માનિત કરાયા હતા.​​​​​​​

કે.જી.બી.ના વોર્ડન તથા શ્રેષ્ઠ છાત્રોનું સન્માન
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આવેલી કે.જી.બી.ની છાત્રા અસ્મિતાબેન ચાવડા રાજ્યની કેજીબી શાળાના પરિણામમાં સૌપ્રથમ આવતા તેમજ ત્રીજા નંબરે આવેલા તોરલબેન ચાવડા, પાંચમા નંબર પરના કોમલબેન કણજારીયા તથા સો ટકા પરિણામ વાળી શાળાના વોર્ડન મંજુલાબેન ચુડાસમા અને સાજણબેન પીઠવાનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપભાઈ પિંડારિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

શિક્ષણ સાથે ઉત્તમ વિચારોનું વાવેતર કરતી દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળા
દ્વારકાથી 30 કિમી દુર આવેલા કુરંગા ગામમાં એક એવી પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં પ્રવેશ કરતાં જ પ્રવેશ દ્વાર પર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પેન્સિલના ચિત્ર પર બેસેલી દીકરી અને દીકરો અભ્યાસનું મહત્વ સમજાવે છે. ત્યારબાદ શાળાના વૃક્ષો અને રમતનું મેદાન તથા તેમાં દિવાલ પર દોરેલી એ.બી.સી.ડી. એ બાળકોને પ્રવેશવા આકર્ષે છે. દરેક રૂમોમાં આચાર્ય દ્વારા પોતાની કોઠાસૂઝ મુજબ અલગ અલગ થીમ તથા વિદ્યાર્થીઓની વય કક્ષા મુજબ દરેક રુમમાં તથા દિવાલો ઉપર ચિત્રો તથા સુવિચાર કંડારેલા છે.

દ્વારકાધીશની કલમના પ્રતિકરૂપે મોરપીંછ તથા શાળાનું ધ્યેય વાય ‘સા વિદ્યા યા વિમુક્તયે' આલેખાયેલું છે. જેથી કોઈપણ વ્યક્તિ શાળાની મુલાકાતે આવે છે તેઓ ચિત્રો સાથે વિધાર્થીઓનું પણ એક સારું ચિત્ર માનસપટ પર લઇને જાય છે. વિદ્યાર્થીઓનો યુનિફોર્મ, આઈ કાર્ડ, સ્વચ્છતા સ્વયં શિસ્ત વગેરે પણ ઉડીને આંખે વળગે એવી છે. વિધાર્થીઓ અભ્યાસ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રસર રહે છે. આજે શાળા લોકાર્પણના અઢી વર્ષ પૂર્ણ થયા બાદ પણ હાલ જ નિર્માણ પામી હોય તેવી અનુભૂતિ થાય છે. આ વર્ષનો જિલ્લા કક્ષાનો શાળા સ્વચ્છતા પુરસ્કાર પ્રથમ ક્રમાંકે કુરંગા પ્રાથમિક શાળાએ પ્રાપ્ત કરેલ છે. તેમજ ખેલ મહાકુંભ, કલા મહોત્સવ, હર ઘર તિરંગા, કલા મહાકુંભ વગેરે જેવી દરેક સ્પર્ધામાં આ શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવે છે. તથા શાળા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કુરંગા પ્રાથમિક શાળાના આચાર્ય
કુરંગા પ્રાથમિક શાળાના આચાર્ય

દરેક વ્યવસાયકાર પોતાનું વિઝીટીંગ કાર્ડ રાખતા હોય છે, પણ આચાર્ય માટે પોતાનું વિઝીટીંગ કાર્ડ પોતાની શાળાના બાળકો અને શાળા હોય છે જે ખરા અર્થમાં તન્વીબેન કાસુન્દ્રા ચરિતાર્થ કરી રહ્યા છે. તેઓને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વગેરે એવોર્ડ પણ મળેલા છે. જેઓ કહે છે કે સમય હોય કે મુડી, બાળકોમાં રોકાણ કરવા જેવું શ્રેષ્ઠ રોકાણ બીજું કોઈ નથી' એ શાળાની મુલાકાત પરથી સાર્થક થાય છે. શાળામાંથી અભ્યાસ કરી આગળ જતાં બાળકો એક સારા નાગરિક બને તથા વ્યક્તિગત મૂલ્યો વિકસે આચાર્ય તથા શિક્ષકોનું એક જ લક્ષ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના આચાર્ય દ્વારા બાળકો માટે ‘દિન વિશેષ’ નામનું પુસ્તકો તેમજ વિદ્યાર્થીઓ માટે બાળગીતો પણ લખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...