ભારે હાલાકી:કલ્યાણપુરના ગઢકાથી સિદ્ધપુર, ગઢકાથી સિદસરાને જોડતા રોડનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરવા રજૂઆત

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો ન હોવાના કારણે 6 કિલોમીટરનું અંતર 35 કિલોમીટરનું બની રહે છે

કલ્યાણપુરના ગઢકાથી સિધ્ધપુર અને ગઢકાથી સિદસરા ગામોને જોડતા રસ્તાઓનું અધૂરું કામ શરૂ કરી ને તાત્કાલિક પૂર્ણ કરવા જિલ્લા પંચાયતના સભ્ય સહિત સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી કે ગઢકાથી સિધ્ધપુર, ગઢકાથી સીદસરા ગામને જોડતા રસ્તા બાબતે વર્ષ 2009-10થી સતત જી.વી.અધિકારી જામનગર, જી.વી.અધિકારી દ્વારકા, કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન જામનગર અને દેવભૂમિ દ્વારકા લોક સંવાદ સેતુ, લોક અદાલતો, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, માર્ગ-મકાન, મંત્રી ગ્રામ ગૃહ નિર્માણ, મંત્રી પંચાયત અનેક લેખિત મૌખિક ફરિયાદો કર્યા બાદ આ બંને માર્ગોને જી.પં.દેવભૂમિ દ્વારકાએ મંજૂરી આપી કાયદેસરની પ્રક્રિયા કરી વર્ષ 2018-19માં કામગીરી ચાલુ કરવામાં આવી હતી.

પરંતુ કોન્ટ્રાક્ટર અધૂરું કામ મૂકી જતા રહેતા ફરીથી ઉપરોક્ત તમામ અધિકારી-પદાધિકારીને લેખિત મૌખિક રજૂઆતો બાદ વર્ષ 2020-21માં ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવ્યા બાદ આ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યાર સુધીમાં કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી. ગઢકા ગામમાં 15થી 17 હજારની વસ્તી સિદસરા તેમજ સિધ્ધપુર ગામમાં પણ 4થી 5 હજાર વસ્તી ધરાવતા ગામો છે. વર્તમાન સમયમાં એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ હયાત ન હોય તો ખૂબ જ દુઃખદ બાબત છે.

સિધ્ધપુરથી ગઢકા આ રોડ બન્ને નો માત્ર 6 કી.મી.નું અંતર થાય છે. આ રોડ ન હોવાના કારણે સિધ્ધપુર-જામપર-કલ્યાણપુર-બાકોડી થઈ ગઢકા 35 થી 40 કી.મી. અને એવી જ રીતે સિદસરાથી ગઢકા માત્ર 6 કી.મી.નું જ અંતર છે. પરંતુ રોડ ન હોવાના કારણે સિદસરાથી ભોપલકા-ખાખરડાથી ગઢકા એમ 15થી 17 કી.મી.નું અંતર વધી જાય છે ત્યારે ત્રણેય ગામોના લોકોના હિતમાં આ ત્રણેય ગામોને એક બીજા સાથે જોડતા બન્ને રસ્તા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી હતી અને અન્યથા ત્રણેય ગામોના લોકોએ ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચારી હતી.

અન્ય સમાચારો પણ છે...