સમસ્યા:ધરમપુરમાં નદીની સફાઈ બાબતે પ્રાંત અધિકારીના આકરા પગલાં

ખંભાળિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીના પગલે સ્થાનિક રહીશોમાં વિવિધ બીમારી ફેલાવાનો ભય
  • ખંભાળિયા ટીડીઓને સખત શબ્દોમાં સમસ્યા બાબતે પત્ર પાઠવાયો

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક નજીક પસાર થતી નદીમાં છેલ્લા ઘણા સમયથી અત્યંત ગંદકીનો ભરાવો જોવા મળી રહયો છે જેમાં આજુબાજુના વિસ્તારના લોકો ઉપરાંત આગેવાનો દ્વારા વારંવાર અનેક વખત લેખિત અને મૌખિક સંબધિત સત્તાવાળાને તથા ધરમપુરના સરપંચ સહિતના લોકોને અનેકવાર રજુઆતો છતાં પણ નદીની ગંદકી દૂર નથી કરવામાં આવતી જેને કારણે આજુબાજુના રહીશોમાં બીમારી ફેલાવા માટે મચ્છરોનો ઉપદ્રવ હાનિકારક સાબિત થાય તેવું જોવા મળી રહ્યું છે.

નદીની સફાઈ અંગે એકાદ વર્ષ પૂર્વે ડેપ્યુટી કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદારો સામે ફોજદારી કલમ 133ની કાર્યવાહી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.ભૂતકાળમાં જુદા જુદા બહાના હેઠળ માત્ર લેખિતમાં જવાબ આપી સંતોષ માની લેવામાં આવ્યો હતો. છેલ્લા એકાદ વર્ષ થયાં સફાઈનો પ્રશ્ન અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે ફરીથી આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સમક્ષ મુકવામાં આવતા ખંભાળીયા તાલુકા પંચાયત ટી.ડી.ઓ. સહિતના જવાબદારોને ઉગ્ર અને આકરા શબ્દોમાં જવાબદારી ફિક્સ ભર્યો લેટર તાલુકા વિકાસ અધિકારીને લખીને મોકલી આપવામાં આવ્યા છે.

જેમાં સખત શબ્દોમાં જણાવામાં આવ્યું છે કે,નદીની સફાઈ કરી યોગ્ય કરવું ઉપરાંત કોઈ લેખિતમાં ખુલાશા પાઠવવા નહિ અને જો યોગ્ય કરવામાં નહિ આવે તો તમારી જવાબદારી સમજી ફોજદારી કલમ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવશે. એવો એક આકરો લેટર પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તાલુકા વિકાસ અધિકારીને પાઠવવામાં આવતા તંત્રમાં ભારે ભાગદોડ મચી જવા પામી છે. જોકે પ્રજાના પ્રતિનિધિઓ સહિતના જવાબદારો આ બાબતે મૌન ધારણ કરીને બેઠા છે. તે બાબત પણ ભારે ટીકા પાત્ર બની છે.બીજીબાજુ આ પ્રશ્નનુ વહેલી તકે નિરાકરણ લઈ આવે તેવી આજુબાજુના સ્થાનિકોમાં આશા સેવાઈ રહી છે

અન્ય સમાચારો પણ છે...