NDRFની ટીમ દ્વારા તાલીમ અપાઈ:દ્વારકાના જગતમંદિરમાં સુરક્ષા જવાનો તથા પૂજારી પરિવારને વિશેષ તાલીમ આપવામાં આવી

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફ ટીમને સાથે રાખીને ભૂકંપના સમયે તેમજ આગ, અકસ્માતની કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દ્વારકાના જગત મંદિરની સુરક્ષા કરતા પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો, મંદિરના પૂજારીઓ સાથે નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ સુરક્ષા વિભાગના 69 જવાનો તેમજ 37 પૂજારી તથા પરિવારના સભ્યો સહિત 106 લોકોએ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. આ તમામ લોકોને એનડીઆરએફ ટીમ દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને તાલીમ આપવામાં આવી હતી. દ્વારકા જીલ્લા કલેકટર મુકેશ પંડ્યા, અધિક કલેકટર કે.એમ. જાની, એસ.પી. નિતિશકુમાર પાંડેયના માર્ગદર્શન હેઠળ જામનગર અને દ્વારકા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડી.પી.ઓ. માનસી સિંગ, ડીવાયએસપી સમીર સારડા, પ્રાંત અધીકારી પાર્થ તલસાણીયા, મામલતદાર વિક્રમભાઈ વરૂ જોડાયા હતા.

કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવા અપાઈ તાલીમ
કુદરતી આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરવા તેમજ લોકોને બચાવી, સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવા, ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવી, હોસ્પિટલ સુધી પહોંચાડવા વગેરેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. કુદરતી આફતમાં કઈ રીતે કામગીરી કરવી, તેનું જુદા જુદા માધ્યમોથી તેમજ ઘરેલું ઉપયોગમાં આવતી હોય તેવી પાણીની બોટલો, ઓઈલના ખાલી ડબલા, સૂકા નારિયેળ, પાણીની ગાગર, લાકડાની પટ્ટીઓ જેવા ઉપકરણો વડે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...