રાજકોટ એકમના રેન્જ IG અશોકકુમાર યાદવનું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આગમન થયું હતું. વાર્ષિક ઈન્સ્પેક્શન સાથે જિલ્લાના અગ્રણીઓની ખાસ મુલાકાત ઉપરાંત જિલ્લામાં વ્યાજ ખોરી અંગે લોકોને મળી અને આ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા આજરોજ બપોરે અહીંના જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આગેવાનો, પત્રકારો સાથેની ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વેપારીઓ તેમજ સ્થાનિક રહેશો દ્વારા તેમની સમક્ષ વિવિધ મુદ્દાઓ તેમજ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગેની તપાસ તથા કડક કાર્યવાહીની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામેની ચાલી રહેલી મુહિમમાં લોકો નિર્ભીક પણે સ્થાનિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. તેવી ખાતરી આપવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસ દ્વારા ખંભાળિયામાં આવતીકાલે લોન મેળો યોજાનાર હોય તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ ઉપસ્થિત રહી લાભ લેવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા પાંચ જિલ્લાઓમાં વ્યાજખોરી અંગે કુલ 112 જેટલા કેસો નોંધાયા છે અને 188 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આટલું જ નહીં, વ્યાજ ખોરો અંગે કુલ 650 થી વધુ લોક દરબાર યોજવામાં આવ્યા છે. સાથે સાથે લોકોને રાહત દરે લોન મળી રહે તે માટે લોન મેળા પણ યોજવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા વધુ લોક દરબાર તથા લોન મેળા પણ યોજવામાં આવશે તેવી માહિતી રેન્જ આઈ.જી. દ્વારા આપવામાં આવી હતી.
31 માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ ઝુંબેશ...
દરિયા કિનારે આવેલા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ કે જે રાજકોટ રેન્જની હેઠળ છે. અહીં પોલીસ તંત્ર દ્વારા આગામી તારીખ 31 માર્ચ સુધી ખાસ ઝુંબેશ યોજવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને મળી અને સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચાઓ ઉપરાંત આ વિસ્તારમાં ડ્રગ્સ, હથિયાર ડુપ્લીકેટ ચલણી નોટો વગેરે સામે સાવચેત રહેવા અને લોકોની જાગૃતિ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરાનાર હોવાનું રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા વધુમાં જણાવ્યું હતું.
ત્યારબાદ આજરોજ સાંજે ખંભાળિયામાં ચુનારા વાસ વિસ્તારમાં મોહલ્લા લોક દરબારનું પણ આયોજન રેન્જ આઈ.જી.ની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. અહીં રેન્જ આઈ.જી.ને લોકો દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રેન્જ આઈ.જી.ની આ મુલાકાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી, પી.આઈ. સહિત અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.