રેલમછેલ:ખંભાળિયામાં ચાર રસ્તા નજીક ગટરના ગંદા પાણી ફરી વળ્યા, ગંદકીથી હોબાળો

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના મુખ્ય મથકના વોર્ડ નં.2ના વિસ્તારમાં દુર્ગધ મારતા પાણી રેલાયા
  • અનેક રજુઆત છતાં તંત્ર દ્વારા કાર્યવાહી નહી, સમસ્યાથી પિડીત રહેવાસીઓમાં ભારે રોષ

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયા શહેરના વોર્ડ-2ના ચાર રસ્તા નજીક હોટલ પાછળના વિસ્તારના રહીશો ગટરના ગંદાપાણી, ગંદકી અને સફાઈના મુદ્દે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર તેમજ ચૂંટાયેલા પાલિકા સદસ્યોને આ બાબતે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નકકર કાર્યવાહી કરીને સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના ચાર રસ્તા નજીકએક હોટલના પાછળના ભાગમાં લત્તામાં રસ્તા પર દુર્ગધિત પાણી અને વારંવાર છલકાતી ગટરો જોવા મળી રહી છે. આ અંગે લત્તાવાસીઓ દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં આવેલ શેરીઓમાં ગટરોના અવારનવાર દુર્ગધિત પાણીથી છલકાતા ગંદુ પાણી રસ્તામાં પાણી ફરી વળે છે. અહીં વિસ્તારમાં હોટલો અને હોસ્પિટલો આવેલી છે. તેનું ગટરનું પાણી અમારી શેરીમાં આવે છે. ત્યારે ગટરોની યોગ્ય સફાઈના અભાવ તેમજ આ ગંદા પાણીનો નિકાલ ના હોવાના કારણે સતત પાણી ભર્યું રહે છે.

ત્યારે ગંદા પાણીને કારણે લતામાં દુર્ગધ તેમજ જીવજંતુઓ અને ઉપદ્રવો વધતા લોકો બીમારીમાં સપડાય રહ્યા છે. ઘણા સમયથી ગટરના પાણીના નિકાલની સમસ્યા છે. આ બાબતે પાલિકા તંત્રને અનેકો વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશો સાથે સંપર્ક કરતા જણાવાયું કે, આ વિસ્તારના આગળ ભાગમાં રેલ્વેની જગ્યા હોવાથી રેલ્વે વિભાગને ગટરના પાણી મુદ્દે નિકાલ માટે રજુઆત કરવામાં આવી છે. જેમાં રેલ્વે વિભાગની મંજૂરી મળ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા શહેરમાં ચાર રસ્તા નજીકના વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા મામલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...