ફુલડોલ ઉત્સવમાં પગપાળા દ્વારકા જઈ અને દ્વારકાધીશ કાળિયા ઠાકોર સંગ હોળી ખેલવાનું મહાત્મય હવે દિવસે-દિવસે વધી રહ્યું છે. ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધી રહી છે. ત્યારે જુદા-જુદા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે ખંભાળિયા નજીક અનેક સેવા કેમ્પ ધમધમતા થયા છે.
આ પદયાત્રીઓની તમામ પ્રકારે સેવા કરી અને પુણ્યનું ભાથું બાંધવા અને સેવાભાવી યુવાનો, કાર્યકરો, સંસ્થાઓ હાલ કાર્યરત છે. હોળી-ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો છે, ત્યારે ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સંખ્યા દરરોજ હજારોની બની રહેતા ખંભાળિયાના દાતાથી દ્વારકા માર્ગ સુધી અને સેવા કેમ્પમાં સેવાઓ આપતા યુવાનો, મહિલાઓ તેમજ બાળકો હાલ આ કેમ્પમાં સેવારત બન્યા છે.
અનેકવિધ નામી-અનામી દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને આખો દિવસ ભોજનની સુવિધા ઉપરાંત ચા-પાણી, ઠંડા પીણા વગેરે જેવી વ્યવસ્થા ઉપરાંત બપોરના આરામ તેમજ રાત્રી રોકાણની પણ સુંદર સુવિધા પ્રાપ્ય છે. ખંભાળિયા-જામનગર માર્ગ પર અગાઉ જ્યારે એક પણ સેવા કેમ્પ ન હતો, ત્યારે દાતા ગામની ગોલાઈ પાસે સેવાભાવી યુવાનો દ્વારા ખૂબ નાના પાયે શરૂ કરવામાં આવેલી આ સેવા કેમ્પ હાલ આશરે ત્રણ દાયકાથી કાર્યરત છે. અહીં પદયાત્રીઓને ચા-નાસ્તો, ભોજન ઉપરાંત તબીબી સારવાર, નાહવા-ધોવાની વ્યવસ્થા વગેરે પણ કરવામાં આવી છે. જેથી આ વિશાળ કેમ્પ અનેક પદયાત્રીઓ માટે આરામ તથા સુવિધારૂપ સાબિત થયો છે.
આ સેવા કેમ્પ માટે દાતા ગામના સેવાભાવી યુવા કાર્યકર મહાવીરસિંહ નટુભા જાડેજા, જટુભા ઝાલા, દિપસિંહ હેમભા જાડેજા, દાતા સદગૃહસ્થ એભાભાઈ કરમુર, ઉપરાંત વર્ષોથી રસોઈની સેવા આપતા કુંદનભાઈ ખત્રીની અવિરત જહેમત નોંધપાત્ર બની રહી છે. આ કેમ્પમાં દાતા તથા આસપાસના યુવાનો ઉપરાંત મહિલાઓ પણ અવિરત અને નોંધપાત્ર સેવાઓ આપે છે. જેનો ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લે છે.
ખંભાળિયા દ્વારકા માર્ગ પર ખોડીયાર મંદિર પાસે પણ દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ દ્વારા છેલ્લા અઢી દાયકાથી અવિરત રીતે ચાલતા સેવા કેમ્પમાં ભોજન, ચા-પાણી, આરામ ઉપરાંત દવા, પગચંપી સહિતની સેવાઓમાં પણ ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ તેઓની ટીમ કાર્યરત છે. ખોડીયાર મંદિરના વિશાળ પટાંગણમાં સંગીતના સથવારે રાસ લેતા પદયાત્રીઓથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની રહે છે.
આ ઉપરાંત હોળી-ધુળેટીના છેલ્લા દિવસો નજીક આવતા ખંભાળિયા નજીક નાના-મોટા સેવા કેમ્પ ઉપરાંત સેવાભાવી લોકો ખાસ વાહનો મારફતે આઈસ્ક્રીમ, ફ્રૂટ, ઠંડા પીણા, નાળિયેર પાણી વગેરેની સેવાઓ પણ આપીને પુણ્યનું ભાથું બાંધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.