દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી અનેક રસ્તાઓ મગરની પીઠ જેવા બની રહ્યાં છે. ત્યારે અગાઉ કરવામાં આવેલા રસ્તાઓના કામો ખૂબ જ નબળા પુરવાર થયા છે. જેના સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા આ રસ્તાઓ દુરસ્ત કરવા કવાયત કરવામાં આવી છે.
રસ્તાઓ બનાવવા-રિપેર માટે રૂ. 40 લાખનો ખર્ચ મુકર્ર
ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલા જોધપુર ગેટથી નગર ગેટ સુધીના પોસ્ટ ઓફિસ રોડનો ડામર રોડ ઉખડી જતા રાહદારી તથા વાહનચાલકોને હાલાકી સહન કરવી પડી રહી હતી. આ રસ્તાને નવેસરથી ખોદીને રિપેપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે જોધપુર ગેટથી નગર ગેટ નજીકની ગર્લ્સ સ્કૂલ સુધીનો આ રસ્તો ખોદીને બનાવવા માટે રૂપિયા 40 લાખનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તેની સાથે નગર ગેટથી સ્ટેશન રોડ સુધીના રસ્તાઓમાં જ્યાં ખાડા છે તે તમામ ભાગને ખોદીને નવેસરથી રસ્તો દુરસ્ત કરવામાં આવશે. ઉપરાંત સ્ટેશન રોડથી જામનગર ફાટક સુધીનો રસ્તો, પોરબંદર રોડ ઉપરથી કણજાર ચોકડી સુધીના ખામનાથ પુલ પાસેનો રોડ, પોર ગેટથી જુની લોહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ પાસેના વિસ્તાર વગેરે રસ્તાનું સમારકામ કરવામાં આવશે.
ઓખા-જયપુર એક્સપ્રેસ 1.30 કલાક મોડી ઉપડશે
નવા વર્ષની શુભ શરૂઆત થઈ છે અને નાતાલનું મીની વેકેશન પૂર્ણતાને આરે છે, ત્યારે દ્વારકા ખાતે ઉમટી પડેલા પ્રવાસીઓ પણ પોતાના ઘરે જવા માટે ઉત્સુક છે. ત્યારે મોટા ભાગના યાત્રિકો દ્વારકા ખાતેથી પોતાના વતન જવા માટે ટ્રેનનો સહારો લેતા હોય છે, ત્યારે લાંબા રૂટની ટ્રેનોમાં અમુક કારણોસર સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝન દ્વારા જણાવવામાં આવ્યું કે 2 જાન્યુઆરી, 2023ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસને રિશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 1 કલાક 30 મિનિટ મોડી એટલે કે 21.00 ના બદલે 22.30 કલાકે ઉપડશે.
જાયન્ટ્સ ગ્રુપના વાર્ષિક અધિવેશનમાં ખંભાળિયાના કાર્યકરો જોડાયા
ગુજરાત જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનનું એક વાર્ષિક અધિવેશન તાજેતરમાં માંડવી - કચ્છ ખાતે યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ખંભાળિયા જાયન્ટસ ગ્રુપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં અહીંના યુવા પ્રમુખ રવી દવે તથા તેમની ટીમ દ્વારા વર્ષ 2022 દરમિયાન કરવામાં આવેલા સેવાકીય કાર્યો અને વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ અને ગુજરાત વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયદેવભાઈ ભટ્ટ તથા યુનિટ ડાયરેકટર સંદીપ ખેતીયા દ્વારા જુદાજુદા 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
ગાયત્રી ગરબા મંડળનો આવતીકાલે વાર્ષિક ઉત્સવ
ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા ગાયત્રી ગરબા મંડળ દ્વારા ધાર્મિક આયોજન સાથે સમયાંતરે અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગાયત્રી ગરબા મંડળ સંસ્થા દ્વારા દર મંગળવારે પ્રાચીન એવા સિકોતર માતાજીના મંદિરે માતાજીના ગરબા ગાઈ અને સ્તુતિ કરવામાં આવે છે. ગાયત્રી ગરબા મંડળને 38 વર્ષ પૂર્ણ થતા 39માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.