ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક મહત્વના રાજમાર્ગો ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી નગરજનો તોબા પોકારી ગયા હતા. આ અંગે વ્યાપક રોષ વચ્ચે થોડા સમય પૂર્વે નગરપાલિકાની નવી બોડી દ્વારા આયોજન બદ્ધ રીતે ખાસ ગ્રાન્ટ મંજૂર કરાવી, રૂપિયા પાંચ કરોડથી વધુની રકમ શહેરના રસ્તા માટે મેળવી છે.
શહેરના મહત્વના એવા શારદા સિનેમાથી મહાપ્રભુજીની બેઠક સુધીના તદ્દન ભંગાર રસ્તા, ઉપરાંત જોધપુર ગેઈટથી ભગવતી હોલ, રેલવે સ્ટેશન રોડ, જૂની ખડપીઠ વાળો રોડ, ઝવેરી બજાર સહિતના રસ્તાના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા છે. જેનું ખાતમુહૂર્ત તાજેતરમાં થયા બાદ બેઠક રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રૂપિયા 90 લાખના ખર્ચે જૂનો રોડ ખોદીને નવેસરથી સીસી રોડનું કામ શરૂ કરી દેવામાં આવતા આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ થયેથી લોકોને જર્જરીત માર્ગોથી મુક્તિ મળશે.
આ ઉપરાંત વર્ષો જુના ઘી નદીની પાજના પ્રશ્ને પણ રૂપિયા સાડા સાત લાખ મંજૂર થતાં આ ચેકડેમના પાટિયા નવેસરથી બનાવી અને પાજની દિવાલ ઉંચી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં બાકી રહેતા તમામ રસ્તા સહિતના કામો પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.