દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા અને કલ્યાણપુર પંથકમાંથી મૃતકને જીવિત બતાવી લાખો રૂપિયાનો વીમો પકવવાના કૌભાંડ મામલે પોલીસે ખાનગી વિમા કંપનીના તત્કાલિન મેનેજર સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી જેના એક દિવસના રીમાનડ પુર્ણ થતા જેલહવાલે કરાયા હતા.
દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે ખંભાળીયા-કલ્યાણપુર પંથકમાં મૃતક વ્યક્તિને જીવિત બતાવી લાખો રૂપિયાના વિમા પકવવા અંગેના કૌભાંડને પકડી પાડયુ હતુ. જેમાં શેઢા ભાળથર ગામે નથુભાઈ ઓડેદરા 2011માં અવસાન પામ્યા હતા.
બાદમાં મૃતકના પુત્ર મેરામણે પિતાના નામે 382300નો 2015માં વીમો લીધા બાદ 2018માં મૃતકના નામે મરણનો ખોટા દાખલા દ્વારા ક્લેઇમ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે અન્ય કલ્યાણપૂરના ધતુરીયા ગામે સ્વ.માલીબેન મશરીભાઈ ભોચિયાનો 499000નો વીમો ક્લેઇમ કરાયો હતો. ઉપરાંત ખંભાળીયાના કેશોદના સ્વ.રવીકુમાર અરશીભાઈ બોદરનો પણ 174000નો વિમાને ક્લેઇમ કરાયો હતો.
આ મામલે રિલાયન્સ નિપોન ઇન્સ્યોરન્સના એક્ઝીક્યુટીવ વાસુદેવ દિગંબર પુડલીક તિકમએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સમગ્ર મામલે તપાસ હાથ ધરી વીમો પકવવાના સુનિયોજિત કાવતરું રચ્યાના કૌભાંડ અંગે ઉમેશ નરશી સંચાણીયા, અરજણ ભીમા આંબલીયા, મેરામણ નથુ ઓડેદરા તથા મશરી ઉકા ભોચિયા નામના ચાર શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી.
ચાર આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગણી કરતા એક દિવસના રિમાન્ડ મળતા પોલીસે આ મામલે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. એક દિવસના રીમાન્ડ પુર્ણ થતા ઉપરોક્ત આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંબંધિત વીમા કંપની દ્વારા શંકાસ્પદ ક્લેઈમ કેસ મુદ્દે પોલીસને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ઉપરોક્ત મસમોટા કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.