• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Rehearsal By Police Ahead Of Republic Day Celebrations; Patients At The Concierge's Darshan; Workshop For Office Bearers Of Local Self government Bodies

દ્વારકા ન્યૂઝ અપડેટ:કલ્યાણકારી યોજનાઓનો લાભ તાલુકા કક્ષાએથી મળશે; જીરૂ અને બટાટાના પાકમાં કાળજી રાખવા જરૂરી પગલાં લેવા અંગે યાદી...

દ્વારકા ખંભાળિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં યોજનાઓનો લાભ તાલુકા કક્ષાએથી મળશે...
ગાંધીનગર નિયામક સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત દિવ્યાંગ અને બાળ કલ્યાણકારી યોજનાઓ જેવી કે દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, ગુજરાત મેન્ટલ ડિસેબલ પેન્શન સ્કીમ, સેરો પોઝીટીવ, પાલક માતાપિતા, દિવ્યાંગ શિષ્યવૃત્તિ, નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે યોજનાઓનો લાભ હાલ જિલ્લા સ્તરેથી મળતો હતો. જે હવે તાલુકા કક્ષાએથી તમામ લાભાર્થી લાભ આપવા પ્રયત્ન કરવામાં આવ્યા છે.

દિવ્યાંગ લાભાર્થી અને બાળ લાભાર્થીને યોજનાકીય માહિતી તેમજ તેમના કામો કરવામાં સહેલાઇ રહે જે હેતુથી આ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ તમામ પ્રકારના યોજનાકીય લાભો મેળવવા, વધુ માહિતી મેળવવા માટે કચેરી સમય દરમિયાન સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકાના હેલ્પ લાઈન નંબર 9104428528નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જીરૂ અને બટાટાના પાકમાં કાળજી રાખવા અંગે યાદી...
રાજ્યના કૃષિ ભવનના ખેતી નિયામકની યાદીમાં જણાવાયા મુજબ રાજ્યમાં કમોસમી વારસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા જણાય તો નીચે મુજબના પગલા લેવા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.

જીરૂનો પાક કમોસમી વારસાદ કે માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75 ટકા વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ દસ લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિઆવશ્યક છે.

બટાટા વાવતા ખેડૂતોએ પણ આ સમય દરમ્યાન પિયત આપવાનું ટાળી ભલામણ કરેલ દવા ક્લોરોથેલોનીલ 75 ટકા વેટેબલ પાવડર, 27 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ 5 ટકા ઇસી પાંચ મિલિ દસ લિટર પાણીમાં મિક્ષ કરીને છંટકાવ કરવો. જેથી આગોતરા કે પાછોતરા સુકારાના રોગથી બટાટાના પાકને બચાવી શકાય.

આ અંગે વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- 1800 180 1551નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર દ્વારા રીહર્સલ...
દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્‍લા કક્ષાની ઉજવણી પોલીસ ખંભાળિયામાં ભાણવડ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારે નવ વાગ્યે કરવામાં આવશે.

આ ઉજવણીના આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા મંગળવારે એક રીહર્સલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રીહર્સલ પુર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, બેઠક વ્‍યવસ્‍થા, પાણીની વ્‍યવસ્‍થા સહિતની બાબતે અધિકારીઓને જરૂરી સુચનો પણ કર્યા હતા.

આ રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્‍લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આગામી ગુરૂવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી થનાર છે. ત્યારે ખંભાળિયામાં પણ આ અંગેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ખંભાળિયાના મુખ્ય પોલીસ મથક, નગરપાલિકા કચેરી સહિતની સરકારી ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે.

માનસિક દર્દીઓ તથા દિવ્યાંગોને દ્વારકા દર્શન કરાવાયા...
જામનગર જિલ્લા માહેશ્વરી સભા અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના નેજા હેઠળ જામનગર સ્થિત માનસિક હોસ્પિટલના દર્દીઓને યાત્રાધામ દ્વારકા ખાતેના જગત મંદિરે દર્શન કરાવવામાં આવ્યા હતા.

વયોવૃદ્ધ વડીલો કે અનાથ આશ્રમમાં રહેતા લોકોને વિવિધ પ્રકારની સેવા તથા ધર્મસ્થળોની મુલાકાત બાબતે અવારનવાર સેવાભાવીઓ દ્વારા સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. પરંતુ જામનગરની હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થમાં સારવાર લેતા દર્દીઓને દ્વારકાધીશ મંદિરમાં દર્શન તથા પૂજનનો લાભ મળે તે અંગેનો ઉમદા વિચાર કર્યો હતો.

જામનગર જિલ્લા માહેશ્વરી સભાના બી.કે. સાબુ, રાકેશ લઢ્ઢા, દીપક માહેશ્વરી, મનોજ મણિયાર સાથે મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડાને આવતા તેમના દ્વારા આ અંગે સંબંધિત તંત્ર તથા અધિકારીઓનો સંપર્ક કરી, આ માટેની મંજૂરી સહિતની જરૂરી પ્રક્રિયા તેમજ સાવચેતી અંગેના પગલાં બાદ આશરે 20 જેટલા માનસિક દર્દીઓ તથા દિવ્યાંગ દર્દીઓને દ્વારકા ખાતે દર્શન કરાવવાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.

તેના માટે જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ પ્રશાસન, દ્વારકાધીશ મંદિર - શારદાપીઠ વગેરેના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરી આયોજન મુજબ એસ.ટી.ની ખાસ બસ મારફતે માનસિક અસરગ્રસ્ત દર્દીઓ માટે એટેન્ડન્ટ તથા નર્સિંગ સ્ટાફની સંપૂર્ણ વ્યવસ્થા બાદ આજરોજ તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થીઓ બન્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માટે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક મંડળ તેમજ દ્વારકા મંદિર સુરક્ષા પોલીસ અને દેવસ્થાન સમિતિનો સહયોગ સાંપળ્યો હતો. આ અનેરી સેવા પ્રવૃત્તિ માટે વિચાર આવતા તેમના દ્વારા પ્રારંભથી અંત સુધીના સુદ્રઢ આયોજન, મંજૂરી, પ્રવાસના આયોજન માટે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારો સત્તાવાહકો માટે વર્કશોપ...
ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ તથા પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને મહત્તમ રીતે સિદ્ધ કરવા આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ, તલાટી કમ મંત્રીઓ, તાલુકા કક્ષાના તમામ યોજનાકીય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

આ વર્કશોપમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય તેમજ ઘન કચરા વ્યવસ્થાપન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ વિવિધ કોમ્પોનેન્ટ જેવા કે સામુહિક શોકપીટ, સામુહિક કંપોસ્ટપીટ તથા સેગ્રીગેશન શેડ અંગે કરવાના થતા કામો અંગેની જાણકારી આપવામાં આવી હતી.

સાથે સાથે ગામડાઓને કચરા મુક્ત કરવા, ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવો, પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા, વ્યક્તિગત શૌચાલયને રેટ્રો ફિટિંગ કરાવવા તેમજ વ્યક્તિગત ગોબરગેસ પ્લાન્ટ બનાવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત સમજ પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...