દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ દિશાઓમાં કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા શખ્સોને પોલીસે પાંજરે પૂરી કાર્યવાહી કરી હતી.
ભાણવડ નજીક ટ્રકની બોલેરો જીપ સાથે ટક્કર
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર કપુરડી ગામથી મોટા કાલાવડ ગામ તરફ જતા રસ્તે આવેલા રેલવે ફાટક પર રાખવામાં આવેલા બોલેરો પીકઅપ વાહનને પૂરઝડપે અને બેફામ આવી રહેલા બલ્કર ટ્રકના ચાલકે પાછળથી ટક્કર મારતા આ અકસ્માત અંગે બોલેરોના ચાલક ટપુભાઈ લાખાભાઈ હુણની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બલ્કર ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
નગડીયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા ચના કારા કોડીયાતર નામના 32 વર્ષના રબારી શખ્સને પોલીસે વિદેશી દારૂની 15 બોટલ તથા એક મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 8,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
ભાણવડમાં જામગરી બંદૂક સાથે રાણપરનો શખ્સ ઝડપાયો
ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા કરસન દેવાભાઈ લાડક નામના 56 વર્ષના પ્રૌઢને એસ.ઓ.જી. પોલીસે પાસ-પરવાના વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, હથિયારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલી આ બંદૂકની કિંમત રૂપિયા 1,000 ગણવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.