• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Rebellion In Dwarka's Rawal N.P. Disgruntled Members Of Ruling Party Move No confidence Motion Against President Vice President Along With BJP Congress

સત્તા પરિવર્તન માટે ભાજપ-કોંગ્રેસ એક થયા:દ્વારકાની રાવલ ન.પા.માં બળવો, સત્તાધારી પાર્ટીના અસંતુષ્ટ સભ્યોએ ભાજપ-કોંગ્રેસ સાથે મળી પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી

દ્વારકા ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની જામ રાવલ નગરપાલિકામાં સત્તાધારી પક્ષમાં બળવો થયો છે. સત્તાપક્ષ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 6 સભ્યોએ ભાજપ અને કોંગ્રેસને સાથે રાખી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રાખી છે. કોંગ્રેસ અને ભાજપે દરખાસ્ત રાખતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામી છે.

કલ્યાણપુર તાલુકાના જામ રાવલ નગરપાલિકામાં વર્ષ 2020માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કુલ 24 સભ્યો પૈકી 12 સભ્યોની બહુમતીથી સ્થાનિક પાર્ટી એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું શાસન સ્થપાયું હતું. જ્યારે રાવલ પાલિકામાં હાલ ભાજપના 8 તથા કોંગ્રેસના 3 સભ્યો વિજેતા બન્યા છે. હાલ અહીં પાલિકા પ્રમુખ તરીકે મનોજ જાદવ તથા ઉપપ્રમુખ તરીકે લીલુબેન વિજયભાઈ સોલંકી સત્તા પર છે. પરિવર્તન પાર્ટીના સિમ્બોલ પર વોર્ડ નંબર એકમાંથી ચૂંટાયેલા લલીત લક્ષ્મણભાઈ જાદવ સહિતના સભ્યો અને ભાજપના તેમજ કોંગ્રેસના મળી કુલ 17 સભ્યોએ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. 17 સહીઓ સાથેની અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમા ભાજપના 8, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 6 અને કોંગ્રેસના 3 સભ્યોએ સહી કરી છે.

આ અવિશ્વાસની દરખાસ્તમાં જણાવાયેલા કારણોમાં પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા સ્થાનિક સભ્યો સાથે સંકલનમાં રહી અને કામ થતું ન હોય, તેઓને વિશ્વાસમાં પણ લેવાતા ન હોવા ઉપરાંત સરકારની ગ્રાન્ટને મન ફાવે તેમ બિનજરૂરી રીતે ખર્ચ કરવામાં આવે છે. નગરપાલિકામાં બિનજરૂરી વાહનો લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપરાંત કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ ન થતો હોવા સહિતના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આમ ઉપરોક્ત મુદ્દે સત્તાધારી વી.પી.પી., ભાજપ તથા કોંગ્રેસના 17 સદસ્યોની સંયુક્ત સહીઓથી જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત મોકલવામાં આવી છે.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જામ રાવલના વિકાસમાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી, આ જ પાર્ટીના સભ્યોએ હવે ભાજપના સમર્થન સાથે પ્રમુખ-ઉપપ્રમુખને હોદ્દા પરથી હટાવવા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આ દરખાસ્ત બાદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા આગામી 15 દિવસમાં ખાસ બેઠક બોલાવવા માટે જણાવવામાં આવ્યું છે. પ્રમુખ જો આ બેઠક નહીં બોલાવે, તો તે પછીના 15 દિવસમાં ઉપપ્રમુખે ખાસ બેઠક બોલાવી વિશ્વાસનો મત રજૂ કરવો પડશે.

24 પૈકી 17 સભ્યો હાલ સત્તાધારી જૂથની વિરોધમાં છે. જેથી આગામી સમયમાં સત્તા પરિવર્તન આવે તો નવાઈ નહીં તેવું ચિત્ર ઊભુ થયું છે. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વી.પી.પી.ના નેતાઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અંગેની કામગીરી કરવા સબબ વોર્ડ નંબર એકના સભ્ય લલીત લક્ષ્મણભાઈ જાદવ તથા વોર્ડ નંબર 6ના સભ્ય હોથીભાઈ બાબુભાઈ ગામી ગામના બે સભ્યોને ગઈકાલે મંગળવારે બરતરફ કરતો હુકમ કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં કલ્યાણપુરની દ્વારકા બેઠકમાં કોંગ્રેસને વધુ મતો મળ્યા હતા. આગામી ફેબ્રુઆરી માસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા તથા ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવવાની છે. ત્યારે હવે રાવલ નગરપાલિકામાં પણ માત્ર બે વર્ષના સમયગાળામાં સખળ-ડખળ શરૂ થયું છે.

અન્ય સમાચારો પણ છે...