કમોસમી માવઠાંથી ધરતીપુત્રો પરેશાન:ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ; કલ્યાણપુર તાલુકામાં પણ ઝાપટાં વરસ્યા...

દ્વારકા ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ખંભાળિયા પંથકમાં કરા સાથે ઝાપટાં તેમજ કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યાનું જાણવા મળ્યું છે.

ખંભાળિયા-ભાણવડ પટ્ટીના ગામો ભટગામ, માંઝા, કોલવા તેમજ તથિયામાં તેમજ બજાણા વિસ્તારમાં આજરોજ બપોરે આશરે ત્રણેક વાગ્યે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા તેમજ અન્ય સ્થળોએ હળવા ઝાપટાં વરસ્યા હતા. કરા સાથેના વરસાદથી થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આટલું જ નહીં, આ વિસ્તારના અનેક ખેતરોમાં ચણા, ધાણા જેવા ઉભા પાકોને વ્યાપક નુકસાની થતા ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી. રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા.

ખંભાળિયા ઉપરાંત કલ્યાણપુર તાલુકાના પટેલકા, દેવરીયા વગેરે ગામોમાં પણ આજરોજ બપોરે આશરે દોઢેક વાગ્યે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કમોસમી માવઠાંથી ખાસ કરીને ધરતીપુત્રો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...