ફરિયાદોના નિવારણની કામગીરી શરૂ:ખંભાળિયા તથા ભાણવડમાં વ્યાપક વીજ પ્રશ્ને આગેવાનોની રજૂઆત; પ્રશ્નોના નિરાકરણ માટે આયોજન હાથ ધરાયું

દ્વારકા ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ભાણવડ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વધી ગયેલા વીજ પ્રશ્નોના મુદ્દે ખંભાળિયાના કાર્યપાલક ઇજનેરને સ્થાનિક આગેવાનો- કાર્યકરો દ્વારા ગઈકાલે બુધવારે રૂબરૂ અને મુદ્દાસરની રજૂઆતો કરવામાં આવી હતી. આ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

કાર્યપાલક ઇજનેરને સામુહિક રીતે રૂબરૂ રજૂઆતો કરાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો નથી અને જિલ્લામાં પૂરતા વરસાદ સાથે ખેડૂતોને હાલ પિયત માટે પાણી અનિવાર્ય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર બળી ગયા બાદ તેને બદલવામાં ખૂબ સમય જતો હોવા ઉપરાંત નવા બદલવામાં આવતા ટીસી ફેલ નીકળતા પુનઃ આ પ્રશ્ન ઊભા થાય છે. અહીંની વીજ કચેરીના ફોલ્ટ માટેનો ફોન નંબર કોઈ ન ઉપાડતા નો રીપ્લાય આવતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ સાથે ખંભાળિયા નજીકના હાપીવાડી, લાલપરડા, ઝાકસીયા ઉપરાંત ભાણવડના રૂપામોરા, વિજયપુર, વડત્રા ફીડર તેમજ ખંભાળિયાને લગત ગ્રામ પંચાયત એવી ધરમપુર, શક્તિનગર, રામનગર અને હર્ષદપુરના વિજ પ્રશ્ને અહીંના નાયબ કાર્યપાલક ઇજનેર પટેલને સામુહિક રીતે રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી.

વીજપોલ અને ટીસીના કારણે ઉભા થતા પ્રશ્નોના નિકાલની સૂચના
આ પ્રશ્ન મુદ્દે કાર્યપાલક ઇજનેર પટેલ દ્વારા નાયબ ઇજનેર ગોસ્વામી, કરમુર, પઠાણ વિગેરેને સાથે રાખી અને જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કેબલ અને ટીસીનો જથ્થો આવી ગયો હોય, બેથી ત્રણ દિવસમાં આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આ ઉપરાંત તમામ અધિકારીઓના નંબરો હેલ્પલાઇન નંબર માટે તથા ફોલ્ટમાં વ્યવસ્થિત જવાબ મળે તેવી સૂચના આપવામાં આવી હતી. ટ્રાન્સફોર્મર બદલાવાય તે બળેલું ન હોય તે બાબત ખાસ ચેકિંગ કરવા તેમજ જ્યાં વીજપોલ અને ટીસીના કારણે પ્રશ્નો થતા હોવાથી તેના નિકાલની સૂચના આપવામાં આવી હતી.

બેથી ત્રણ દિવસમાં આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે
કાર્યપાલક ઈજનેર પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન ફોલ્ટ રીપેરીંગમાં વીજ પુરવઠો બંધ હોય તો રાત્રે પણ પુરવઠો ચાલુ રાખવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષો જુના વીજવાયરો બદલવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. અહીંની વીજ કચેરીમાં પૂરતો માલ સામાન મળી રહે તે માટે પણ પ્રભારી મંત્રી તથા ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના અગ્રણી ભરતભાઈ ચાવડા, હિતેન્દ્રભાઈ આચાર્ય, મસરીભાઈ નંદાણીયા, રસિકભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, જીતેન્દ્રભાઈ કણજારીયા, કાનાભાઈ કરમુર, કિશોરભાઈ મંડપિયા ,બલુભાઈ ગઢવી, પરબતભાઈ ભાદરકા, રાકેશભાઈ નકુમ, હાજાભાઈ ચાવડા વિગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...