દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ગઈકાલે પરવાનગી વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક મોટરસાયકલ ચોરીનો બનાવ નોંધાયો હતો. જ્યાં પોલીસે રૂપિયા 25,000ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આધાર પુરાવા વગરનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ગઈ કાલે સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચ, ઇરફાન ખીરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નજીકના ભરાણા બંદર ખાતે આવેલી એક દરગાહ પાસે રહેલા સ્થાનિક રહીશ દાઉદ અબ્બાસ માણેક અને નજીર કાસમ ભાયા નામના બે શખ્સોની અટકાયત કરી, ચેકિંગ કરતા તેમની પાસે આધાર પુરાવા વગરનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ રૂપિયા 2 લાખ 7 હજાર 990ની સિગારેટનો જથ્થો કબજે
વધુ તપાસમાં આ બંને શખ્સો પાસેથી માલબોરો, એલ. એન્ડ એમ. રેડ લેબલ, માલબોરો ગોલ્ડ વગેરે જુદી-જુદી કંપનીના વિદેશી સિગારેટના 550 પાકીટ મળી આવ્યા હતા. આથી કુલ રૂપિયા 2 લાખ 7 હજાર 990ની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો કબજે લઈ વધુ તપાસ અર્થે વાડીનારના કસ્ટમ વિભાગને સોંપી આપવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા સાથે મહમદ બ્લોચ, ઈરફાન ખીરા, દિનેશ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
ખંભાળિયામાં ચોરાઉ બાઈક સાથે યુપીનો શખ્સ ઝડપાયો
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક મોટરસાયકલ ચોરીનો બનાવ નોંધાયો હતો. જે સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિયમ દરમિયાન સર્વેન્સ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના ફિરોઝાબાદ જિલ્લા ખાતેના વતની અને હાલ અહીંના વાછરાડાડાના મંદિર પાસે રહેતા શ્રમિક યુવાન રીસી મહેશકુમાર યાદવ નામના 23 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 20 હજારની કિંમતના ચોરાઉ મોટરસાયકલ તથા એક નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 25 હજારના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યવાહી પોલીસની ટીમ દ્વારા કરાઈ
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. ડી.એમ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હેમત નંદાણીયા, ખીમા કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠા પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાના લુણા દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.