સમસ્યા:વડત્રા ફીડરના ગામોમાં વીજ ધાંધીયાથી લોકો ત્રાહિમામ

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજ પ્રશ્નોનુ તાકિદે નિરાકરણ ન આવે તો ખેડુતોને સાથે રાખી કચેરીને ઘેરાવ કરવાની ચિમકી
  • ચોમાસાના પ્રારંભ સાથે જ પીજીવીસીએલની પ્રિ મોન્સુન કામગીરીની પોલ છતી થઇ : જવાબદાર અધિકારીઓ મૌન

ખંભાળીયા તાલુકાના વડત્રા 66 કેવી સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ગામોમાં વારંવાર વીજધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ચોમાસાના પ્રારંભ સાથે પી.જી.વી.સી.એલ.ની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થતી જોવા મળી રહી છે. દેવભૂમિના ગ્રામ્ય પંથકમાં વારંવાર વીજ ધાંધીયાના કારણે લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે.જેમાં 24 કલાક વીજળી પુરી પાડવાનો દાવો દ્વારકા પંથકમાં પોકળ સાબિત થઇ રહયો હોય એમ જોવા મળી રહ્યું છે.

દ્વારકા જિલ્લામાં ચોમાસા ઋતુની શરૂઆત થઈ છે. મેઘરાજાએ પગરવ કર્યા ત્યારથી જ અનેક જગ્યાએ પી.જી.વી.સી.એલ.ની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી થતી જોવા મળી રહી છે. વડત્રા પી.જી.વી.સી.એલ. હેઠળનાબેહ, આસોટા, ઝાકસીયા સહિતના ગામોમાં વારંવાર વીજ વિક્ષેપને કારણે કલાકો સુધી વીજળી ગુલ રહે છે. વીજ ફોલ્ટના બહાને અવાર-નવાર લાઈટનો કાપ આપી દેવામાં આવે છે.

આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. ફોલ્ટ થતા કલાકો સુધી રિપેરીંગ કરવા કોઈ ફરકતું નથી અને કંમ્પ્લેઇન નંબર ઉપર અને જવાબદાર અધિકારીઓને ફોન કોલ કરવામાં આવતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર પણ મળતું ન હોવાની સ્થાનિકોમાં બુમરાળ ઉઠવા પામી છે. વારંવાર વીજ વિક્ષેપ અને વિજપોલ લાઇનમાં થતા શોર્ટ સર્કિટને કારણે વોલ્ટેજ વધઘટથતા કયારેક ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા લોકોને મોટી નુકશાન વેઠવાનો વારો આવે છે.

ત્યારે આ બાબતે વિજતંત્રએ ગંભીરતા દાખવવી જોઈએ. આ અંગે ખેડુત આગેવાન વેરશીભાઈ ગઢવી દ્વારા પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે અને વારંવાર થતી વીજ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરાઈ છે. અન્યથા વડત્રા 66કેવી સબ સ્ટેશન હેઠળ આવતા બેહ, ઝાકસીયા, આસોટા સહિતના ગામોના ખેડૂતોને સાથે રાખી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે. પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી વેળાએ મસમોટી જાહેરાતું કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...