રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો...
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા તથા એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અન્વયે આગામી તારીખ 17 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ સલામતી સપ્તાહના આજરોજ પ્રારંભ પ્રસંગે ખંભાળિયાની આરટીઓ કચેરી ખાતે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવા સંસ્થાઓ તથા વરિષ્ઠ નાગરિકો સાથે સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક અવેરનેસ તથા ઓવર સ્પીડ વાહન ન ચલાવવા અંગે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
નાટક, પુસ્તક મેળો તથા રક્તદાન કેમ્પનું આયોજન...
ભાણવડમાં આવેલી પુરુષાર્થ વિદ્યાલય તથા તપોવન વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાણવડની ધરતી પર થયેલી ઐતિહાસિક ઘટના વીર માંગડાવાળો તથા સતી પદ્માવતીનું સુંદર નાટક રજૂ કરી અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
શાળાના જ 46 વિદ્યાર્થીઓ દ્વારા ભલભલા કલાકારને પાછા પાડી દે તેવા અભિનય સાથે નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેમાં નાટકના પ્રણેતા માલદેભાઈ આહીર, ચેતનભાઈ ટાંક, ચંદ્રિકાબેન બેરા, નિરાલીબેન લુણાવીયા વગેરે જોડાયા હતા. આ નાટક નિહાળવા આશરે દસથી બારથી હજાર જેટલી જનમેદની ઉમટી પડી હતી. નાટક ઉપરાંત અનેક પુસ્તક પ્રકાશનોના પુસ્તક મેળો, 10થી 15 ફૂટની ઊંચાઈએ દોરડા સાથે વીંટળાઈને રજુ થયેલા યોગ કાર્યક્રમમાં શાળાના ધોરણ નવથી બારના છાત્રો દ્વારા આ સમગ્ર સંચાલન આકર્ષણ રૂપ બની રહ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, મંત્રી મુળુભાઈ બેરાના પ્રતિનિધિ હર્ષદ બેરા, સંત શ્રુતપ્રજ્ઞજી, ઇતિહાસ વિદ નરોતમ પલાણ, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રેહામ ડવાયર, જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયા, ડોક્ટર ટી.બી. કનેરિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર, રાજીબેન મોરી, વગેરે આગેવાનો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પુરુષાર્થ શાળાના સંચાલક પ્રમુખ ભીમશીભાઈ કરમુર, ડોક્ટર ખુશાલ શીલું, માલદેભાઈ આહીર તથા શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલો આ સમગ્ર કાર્યક્રમ તથા નાટક ચર્ચાસ્પદ બન્યા હતા.
વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે માહિતગાર કરાયા...
સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સલાયા માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોલીસ સ્ટેશનમાં જઇ અને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે માહિતગાર કરાયા હતા. જેમાં લોકપ, ફરિયાદ વિભાગ, વાયરલેસ વિભાગ તેમજ જુદા જુદા હથિયારો કઈ રીતે ચલાવાય છે. એ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમ સલાયા પીએસઆઇ સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને માહિતી સલાયા પોલીસ સ્ટેશનના ઓમદેવ સિંહ તેમજ નઝમાંબહેન દ્વારા આપવામાં આવી હતી.
ખંભાળિયા લોહાણા કન્યા છાત્રાલયનું ગૌરવ...
લોહાણા કન્યા છાત્રાલય દ્વારા દર વર્ષે નવા વર્ષના પ્રારંભે જ્ઞાતિની તમામ છાત્રાલયની વિદ્યાર્થીનીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં અમદાવાદના પાલડી ખાતે 24મી વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખંભાળિયા ઉપર અમદાવાદ, પાટણ, બાજવા, વગેરે શહેરની લોહાણા કન્યા છાત્રાલયની દીકરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખંભાળિયાની માતૃશ્રી સંતોકબેન ગોરધનદાસ મપારા કન્યા છાત્રાલયની ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરી સિમરન સંજયભાઈ સોનેચાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી, ખંભાળિયા લોહાણા કન્યા છાત્રાલયનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત કુમારી તરૂસી મનીષભાઈ ઠકરારે પણ ચોથો ક્રમ મેળવી ટ્રોફી પ્રાપ્ત કરી હતી. ખંભાળિયાની સંસ્થાનું ગૌરવ વધારવા બદલ મુંબઈ તેમજ ખંભાળિયાના ટ્રસ્ટીઓ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.