• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • One Hundred Thousand Foot Soldiers Served The Police Camp; Online Registration Regarding Sale At Support Price; The Dream Of Building A Home Has Come True

દેવભૂમિ દ્વારકા ન્યૂઝ:એક લાખ પદયાત્રીઓએ પોલીસ કેમ્પની સેવા લીધી; ટેકાના ભાવે વેંચાણ અંગે ઓનલાઇન નોંધણી; ઘરનું ઘર બનાવવાનું સપનું થયું સાકાર

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સીનીયર સીટીઝન મહિલા ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે...
વર્ષ 2023-24 દરમિયાન ગુજરાત રારકાર દ્વારા આઝાદી કા મૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાની સીનીયર સિટીઝન (6p વર્ષથી ઉપરના) બહેનોની એથલેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સા ખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ અહીંની જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવીને તા. 14 માર્ચ સુધીમાં આ ફોર્મ ભરીને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓની આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમના તારીખ અને સ્થળની જાણ હવે પછી કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નં. 7016799668 તથા 8866130759નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.ભાણવડમાં એનીમિયા જાગૃતિ તથા સારવાર કેમ્પ યોજાયો...
એનિમયા એટલે લોહીના ટકાની ઉણપ અને એનાથી થાક લાગે, માથું દુખે, રોગપ્રતિકારક શકિત ઘટે અને બુદ્ધિઅંક પણ ઘટે. સગર્ભા માતાના લોહીના ટકા ઓછા હોય તો બાળક અને માતા બંને માટે જોખમ વધે. આ એનિમિયા રોગને નાબૂદ કરવા એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભાણવડ તાલુકામાં રાણપર ગામે લોહીના ટકા તપાસવાનો ટી-3 એટલે ટેસ્ટ, ટ્રીટ અને ટોક કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં આ વિસ્તારના આશરે 150 જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. જેમના લોહીના ટકા ઓછા હતા, એમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. આ સાથે એનિમિયા વિશે જાગૃતિ આવે એ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. એનિમિયા દૂર કરવા માટે આપવામાં આવતી લોહતત્વની ગોળીઓનો નિયમિત ઉપયોગ, હેન્ડ વોશિંગ, કૃમિનાશક ગોળી, યોગ્ય આહાર વિશે પણ લોકોને સમજ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ભાણવડના આરોગ્ય સ્ટાફ ઉપરાંત નયારા એનર્જી દ્વારા સંચાલિત પ્રોજેકટ તુષ્ટિ ટિમનો પણ સહયોગ સાંપડયો હતો. વધુમાં લોહીના સારા ટકા ધરાવનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહીત પણ કરવામાં આવ્યા હતાં.

બાળકોને હનુમાન ચાલીસાનું મૌખીક પઠન કરાવાયું
રાજકોટની જાણીતી સેવા સંસ્થા જેમ્સ ચિલ્ડ્રન ક્લબ અને જલારામ ફૂડ કોર્ટના સંયુકત ઉપક્રમે 15 વર્ષ સુધીના 108 બાળકો દ્વારા મૌખિક હનુમાન ચાલીસા બોલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હનુમાન ચાલીસા બોલનાર દરેક બાળકને જેમ્સ ચિલ્ડ્રન ક્લબ દ્વારા ગીફ્ટ આપવામાં આવી અને જલારામ ફૂડ કોર્ટ દ્વારા મનગમતુ ભોજન પીરસવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જલારામ ફૂડ કોર્ટના માલિક અરવિંદ આહિરે જણાવ્યું કે, બાળકોમાં ધર્મ ભાવના જાગૃત થાય તે માટેનો આ નમ્ર પ્રયાસ છે.

જેમ્સ ચિલ્ડ્રન ક્લબના પ્રમુખ હિનાબેન પોપટ અને ક્રીએટીવ કલબના પ્રમુખ જીતાબેન દતાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન ક્લબના ઓપનિંગ વખતે જ તેમણે નક્કી કરી લીધું હતું કે, બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે આવુ કંઈક આયોજન ચોક્કસ કરવામા આવશે. જ્યારે રામાયણના માનદ નામે ઓળખાતા પારૂલબેન જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, રાજકોટને રામકોટ બનાવવાનો તેમનો નિર્ધાર છે અને આગામી કાર્યક્રમમાં 504 બાળકો દ્વારા મૌખિક હનુમાન ચાલીસા પઠન કરવાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવશે.

નગરજનોને જર્જરિત રસ્તાઓમાંથી મળશે મુક્તિ...
ખંભાળિયા શહેરએ જિલ્લા કક્ષાનું મુખ્ય મથક હોવા છતાં પણ અહીંના ખખડધજ રસ્તાઓથી નગરજનો ગળે આવી ગયા છે. બહારગામથી અહીં આવતા લોકો શહેરની ઘસાતી છાપ સાથે લઈને જાય છે. ખંભાળિયા શહેરના ખખડી ગયેલા માર્ગોને નવેસરથી બનાવવા માટે તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા રસ્તાઓને નવેસરથી બનાવવા માટેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં આશરે રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિવિધ માર્ગોને નવેસરથી કરવાની મંજૂરીની પ્રક્રિયા હાલ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે. ખાસ કરીને શિર દર્દ સમાન ચાર રસ્તાથી જડેશ્વર મંદિર સુધીના રસ્તા, સ્ટેશન રોડ, અગાઉના ગૌરવ પથ એવો ખખડધજ બેઠક રોડ, બજાણા રોડ પર જોધપુર વચ્ચેનો રસ્તો, જોધપુર ગેઈટ નજીકનો જૂની ખડપીઠ વાળો રસ્તો, નગર ગેઈટમાં હરભોલે વાળી ગલીનો રસ્તો, હર્ષદ મંદિર પાછળની શેરી, ચાર રસ્તે ડો. કણજારીયા વાળી ગલી, ગેસ્ટ હાઉસ પાસે પરિમલભાઈ નથવાણીના ઘરવાળો રસ્તો, વિગેરે રસ્તાઓના ટેન્ડરો હાલ મંજૂર થઈ ચૂક્યા છે.

આગામી દિવસોમાં ખાત મુહૂર્ત બાદ આ રસ્તાના કામો શરૂ કરવામાં આવશે તેમ નગરપાલિકા સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં થતા કામો ખૂબ જ નબળા અને ધીમી ગતિએ બનતા હોય, આ કામ ગુણવત્તાસભર અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ પણ કોન્ટ્રાક્ટરોને કરવામાં આવી છે.

રાજ્યની 76 નગરપાલિકાઓમાં વહીવટદારો નિમાયા..
રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓની મુદત તાજેતરમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે સંભવતઃ એપ્રિલ માસમાં આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. ગુજરાતની જુદી જુદી 76 નગરપાલિકાઓમાં ગત તારીખ 24 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. જેના અનુસંધાને આવી નગરપાલિકાઓમાં સરકાર દ્વારા વહીવટદાર નીમી દેવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા તેમજ ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ ચૂકી છે, ગત સપ્તાહથી વહીવટદારનું શાસન અમલમાં મૂકવામાં આવ્યું છે. આના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ગત સાંજે જારી કરવામાં આવેલા આદેશોમાં આવી નગરપાલિકાઓની નજીકના પ્રાંત અધિકારી-મામલતદારને વહીવટદાર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ખંભાળિયાના મામલતદાર જયેશ મહેતાને સલાયા નગરપાલિકામાં, દ્વારકાના મામલતદાર વરુને દ્વારકા નગરપાલિકામાં તથા ભાણવડના મામલતદારને ભાણવડ નગરપાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે હાલાર પંથકના ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર પાલિકાની પણ મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી ત્યાં પણ સ્થાનિક મામલતદારને વહીવટદાર તરીકેની નિયુક્તિનો આદેશ થયો છે.

પદયાત્રીઓએ પોલીસ કેમ્પની સેવા લીધી...
યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ચાલીને ભગવાન દ્વારકાધીશ સંગ હોળી મનાવવા આવી રહ્યા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ યાત્રાળુઓ, પ્રજાની સેવા માટે સક્રિય અને સજ્જ છે તેવું દ્રષ્ટાંત પોલીસ સેવા કેમ્પ મારફતે સાર્થક થયું છે.

દેવભૂમિ જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરાધના ધામ નજીક ચાર દિવસથી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, શરબત, ચા-નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. ઉપરાંત વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. આશરે એક લાખ જેટલા લોકોએ આ પોલીસ કેમ્પની મુલાકાત લીધી હતી.

આ સ્થળે 45,000થી વધુ લોકોની સુરક્ષા માટે "જય દ્વારકાધીશ"ના સ્ટીકરો તેમજ રેડિયમ પટ્ટી લગાડવામાં આવી છે. કોઈ પદયાત્રીઓના બુટ કે ચપ્પલ તૂટી ગયા હોય અને ચાલી ના શકતા હોય તેવા 120 પદયાત્રીઓને બુટ-ચપ્પલ પણ આપવામાં આવ્યા છે. આ સાથે લોકોને રોડની સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ટેકાના ભાવે વેંચાણ અંગે ઓનલાઇન નોંધણી...
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન હેઠળ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. દ્વારા તા. 31 માર્ચ સુધી કરવામાં આવશે.

આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો 7/12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેંક ખાતાની વિગત જેમ કે, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલના જરૂરી પુરાવા સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અપિલ કરવામાં આવી છે. ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કે કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે.

ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં નહિ આવે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ઘર બનાવવાનું સપનું થયું સાકાર...
રાજ્યના તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત નવા આયામો સ્થાપિત કરી રહી છે. અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ કુટુંબો કે જેઓ પાસે રહેવા લાયક ઘર/મકાન ન હોય, જર્જરિત મકાન ધરાવતા હોય, પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેવા કુટુંબો માટે સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના હાથલા ગામના ભરતભાઈને સરકારની ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ અંતર્ગત ભરતભાઈએ જણાવ્યું હતું કે, "હું છેલ્લા ઘણા વર્ષોથી હાથલા ગામમાં રહ્યુ છું. હું વ્યવસાયે મજૂરી કામ કરું છું. અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અમે કાચા મકાનમાં રહેતા હતા. પરંતુ અમોને સરકારની આંબેડકર આવાસ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં આવાસ બનાવવા માટે મને રૂ. 1.20 લાખની સહાય મળી છે. અમારા જેવા આર્થિક રીતે અશક્ષમ વ્યક્તિઓ માટે સરકારની આંબેડકર આવાસ યોજના ખૂબ જ લાભદાયી થઈ છે. જેના માટે હું સરકારનો આભાર માનું છું અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે અપીલ કરું છું."

કલાકારોના વિકાસ માટે વહિવંચા તાલિમ શિબિર...
સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિકાસ અધિકારી અને પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા ચાલુ વર્ષે તુરી બારોટ સમાજના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પૈકી વહિવંચા તાલીમ શિબિરનું આયોજન તા. 10થી 19 માર્ચ દરમિયાન પોરબંદર ખાતે યોજાનાર છે.

આ શિબિરમાં 18થી 35 વર્ષની વય ધરાવતા કલાકારો ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે પોતાની અરજી તા. 6 માર્ચના બપોરે 12 સુધીમાં ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં પહેલા માળે આવેલી જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, રૂમ નં. C-1/2 અને C-1/4 ખાતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

રાજ્યના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા ચાલુ વર્ષે તુરી બારોટ સમાજના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પૈકી ભુંગળ-શરણાઇ તાલીમ શિબિરનું આયોજન તા. 10થી 19 માર્ચ દરમિયાન મહેસાણા જિલ્લા ખાતે કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 18થી 35 વર્ષની વય ધરાવતા કલાકારો ભાગ લેવા ઇચ્છતા હોય, તેમણે પોતાની અરજી તા. 6 માર્ચના બપોરે 12 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...