રાજકીય પક્ષોનું શક્તિ પ્રદર્શન:ફોર્મ ભરવાના અંતિમ દિવસે ખંભાળિયા બેઠક પર 21 તથા દ્વારકા બેઠક પર 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

દ્વારકા3 મહિનો પહેલા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ખંભાળિયા તથા દ્વારકા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે તમામ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો ઉપરાંત અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.

રાજકીય પક્ષોનું શક્તિ પ્રદર્શન
ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે ભાજપના ઉમેદવાર મુળુ બેરા, કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ તેમના વિશાળ સંખ્યામાં ટેકેદારોની ઉપસ્થિતિમાં અહીના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા સમક્ષ તેમના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ પૂર્વે ઉમેદવારો દ્વારા વિશાળ સંખ્યામાં સમર્થકો અને ટેકેદારોને એકત્ર કરી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દ્વારકા બેઠક પર ઉમેદવારી નોંધાવી
આ ઉપરાંત દ્વારકા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર પબુભા માણેક, કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરીયા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમે તેમની દાવેદારી પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા સમક્ષ નોંધાવી હતી.

ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે
આજરોજ અંતિમ દિવસે ખંભાળિયામાંથી 21 તથા દ્વારકામાંથી 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોવાનું બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત બંને બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ તેમના નામાંકન રજૂ કર્યા હતા. આ ઉમેદવારી પત્રોની આવતીકાલે મંગળવારે ચકાસણી તેમજ તા.17ના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ તેઓના ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા છે અને પ્રચાર કાર્ય ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...