જો જો છેતરાઇ ના જતા:દ્વારકાના કોકિલા ધીરજધામની ખોટી વેબસાઈટ બનાવી દર્શનાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે ઓનલાઈન છેતરપિંડી; અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આવેલા વિશ્રામ ગૃહ એવા કોકીલા ધીરજધામની કોઈ ગઠિયાઓએ ભળતી વેબસાઈટ બનાવી અને તેના મારફતે બેન્ક એકાઉન્ટમાં પૈસા મેળવીને જુદા જુદા દર્શનાર્થીઓ તેમજ યાત્રાળુઓને સાથે છેતરપિંડી થવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઓનલાઈન સાઈટ મારફતે એડવાન્સ બુકિંગ અને પેમેન્ટ
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, દ્વારકામાં દ્વારકાધીશ મંદિરથી થોડેજ દૂર આવેલા કોકીલા ધીરજધામ અતિથિગૃહ કે જે રિલાયન્સના મોભી અંબાણી પરિવાર દ્વારા યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવ્યું છે. અહીં આવતા યાત્રાળુ-મુસાફરોનું ઓનલાઈન બુકિંગ ધીરજધામની માન્ય સાઈટ ઉપરથી કરવામાં આવે છે. તેના માટે બહારગામથી દ્વારકા આવતાં શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ મોબાઈલથી કે ઓનલાઈન આ સાઈટ મારફતે એડવાન્સ બુકિંગ કરાવી અને પેમેન્ટ કરે છે.

બુકિંગ કરવાના બહાને છેતરપિંડી
કોકીલા ધીરજધામ અતિથિગૃહની જુદી જુદી બે ખોટી વેબસાઈટ કોઈ શખ્સોએ બનાવી હતી. માન્ય વેબસાઈટ જેવા ભળતાં નામથી બનાવવામાં આવેલી આ વેબસાઈટ ગૂગલ સર્ચ મારફતે ઓનલાઇન મૂકી હતી. આ ડુપ્લીકેટ જેવી વેબસાઈટ બનાવતાં તત્વોએ પોતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર તેમાં મૂકી અને દ્વારકા દર્શનાર્થે આવતાં દર્શનાર્થીઓના બુકિંગ કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી.

ભક્તો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા
છેલ્લા આશરે એકાદ માસના સમયગાળા દરમિયાન ઓનલાઇન બુકિંગ કરાવી ચૂકેલા ડો. જીગ્નેશ એન. કગથરા (રાજકોટ), ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુ દુર્ગેશસિંહ, મહેસાણાના યાત્રિક સચિન મોદી તથા અમદાવાદના રહીશ સ્નેહ મેવાણી વગેરે ભક્તો આ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ખુલ્યું હતું. આ આસામીઓ રૂ. 37 હજારથી વધુની રકમની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું.

પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ
આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના કપ્તાનગંજ વિસ્તારમાં રહેતાં અને હાલ દ્વારકામાં ફરજ બજાવતાં સત્યપ્રકાશ પૃથ્વીપ્રસાદ ઓઝા નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાને સંભવિત રીતે આ સમગ્ર છેતરપિંડી આચરનારા શખ્સ ઉપરાંત અન્ય એક આસામી તથા HDFC બેન્ક એકાઉન્ટ નંબર ધરાવતાં શખ્સ અને કેનેરા બેન્કમાં એકાઉન્ટ ધરાવતા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનોં
આ અંગે દ્વારકા પોલીસે IPC કલમ 406, 420 તથા IT એક્ટની જુદી જુદી કલમ મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ભળતી વેબસાઈટ બનાવનારા શખ્સો સામે ગુનોં નોંધ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલ વિભાગના PI ટી.સી. પટેલ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...