સાયબર ક્રાઇમ સેલની કામગીરી:ખંભાળિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા આસામી શખ્સના નાણા પરત મેળવી આપ્યા

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત સાયબર ક્રાઇમ સેલ વિભાગ અનેક આસામીઓ માટે રાહતરૂપ તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા થયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા ઉપરાંત આ અંગે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે રહેતા સુનિલકુમાર લાલચંદ બિંદ નામના એક આસામીને ગત તારીખ 24-25 જુલાઈના રોજ આવેલા એક ફોનકોલમાં તેમનું બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયું હોવાનું જણાવી સામેના ફ્રોડ શખ્સ દ્વારા ફરિયાદી સુનિલકુમારને વિશ્વાસમાં લઈ તેમના મોબાઇલમાં ચોક્કસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જેના મારફતે સુનિલકુમાર સાથે નાણાકીય ફ્રોડ થયું હતું. આ બાબતે તેમના દ્વારા તાત્કાલિક અહીંના સાયબર સેલ વિભાગને જાણ કરવામાં આવતા આ અંગે સાયબર સેલ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ તાકીદે જરૂરી પગલાં લઈ, આ અંગેના પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે ભોગ બનનારને તેમની રૂપિયા 6,90,763ની રકમ તેમના બેન્ક એકાઉન્ટમાં પરત અપાવવામાં સફળતા મેળવી હતી.

અહીંના સાઇબર સેલ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, એભાભાઈ ચાવડા વીગેરે દ્વારા લોન-લોટરી ફ્રોડ, આનઓથોરાઈઝડ ટ્રાન્જેક્શન ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, ફેસબૂક એડમાંથી વસ્તુની ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ સાબિત થયું છે. હાલની પરિસ્થિતિમાં કોઈપણ અરજદારને કોઈ પણ પ્રકારે બેંકમાંથી માહિતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહીં અને જરૂર જણાય તો બેંકમાં રૂબરૂ જઈને માહિતી મેળવી અથવા આપવી. ગૂગલ સર્ચ ઉપરથી મેળવેલા કોઈપણ કસ્ટમરકેર નંબર ઉપર વિશ્વાસ કરવો નહીં. કોઈપણ વ્યક્તિને બેંકની માહિતી, ઓ.ટી.પી., સી.વી.વી., ગુપ્ત પિન, વિગેરે આપવા નહીં. આ ઉપરાંત મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં.

આવા કિસ્સામાં કોઈપણ વ્યક્તિ નાણાકીય છેતરપિંડીનો ભોગ બની શકે છે. આ અંગે જિલ્લાની કોઈપણ વ્યક્તિએ જરૂર જણાય તો દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ સેલ અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક સાધવા જિલ્લા સાયબર સેલ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...