પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પદયાત્રીઓનો મોટો સમુદાય રાજ્યના અલગ-અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહયો છે. પદયાત્રીઓની શ્રદ્ધાને કારણે તેમના ચહેરા પર જરાપણ થાક દેખાતો નથી. કાળિયા ઠાકોરમાં પૂર્ણ આસ્થા સાથે દ્વારકા પધારતા દરેક પદયાત્રીઓની શ્રદ્ધા તથા તેમની ભક્તિ બિરદાવા લાયક છે.
ઠેર-ઠેર સેવાકીય કેમ્પોનું આયોજન
આગામી ફુલડોલ ઉત્સવમાં દ્વારકા જવા માટે નીકળેલા પદયાત્રીઓ હવે ઉત્સવ નજીક આવતા હજારોની સંખ્યામાં દર્શને જઈ રહ્યા છે. જામનગર બાયપાસથી છેક દ્વારકા રોડ પર ઠેર-ઠેર કેમ્પોનું આયોજન થયું છે. તે એટલું અદ્ભૂત રીતે છે કે થોડું ચાલો ત્યાં પદયાત્રી માટે સેવા કેમ્પ કાર્યરત હોય છે. તેમને જરૂરીયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મસાજ સાથે વાઈબ્રેટર મશીનની સેવા
પડાણા, મેઘપર રોડ પાસે એક સાથે બે કિલોમીટરમાં સાતથી આઠ વિશાળ કેમ્પ કાર્યરત છે. જયાં પદયાત્રીઓનો મોટો સમુદાય વિસામો લે છે. અત્યંત આધુનિક સુવિધા સાથેના રિલાયન્સ કંપનીના સેવા કેમ્પમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ યાત્રિકો માટે ઉપલબ્ધ છે. ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ સેવા કેમ્પમાં મસાજ સાથે વાઈબ્રેટર મશીનની સેવા પદયાત્રીઓને આપવામાં આવી રહી છે.
બાળકોથી લઈ વયોવૃદ્ધ પગપાળા આવી રહ્યા છે
ચરકલાવાળો મુખ્ય રોડ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. કારણ કે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં નાના મોટા બાળકોથી લઈ વયોવૃદ્ધ દ્વારકા પગપાળા ચાલતા આવી રહ્યા છે. દ્વારકા જગત મંદિરના દર્શન થાય છે ત્યારે આ પગપાળા ચાલતા ભક્તો ખૂબ જોશમાં આવી જાય છે અને જાણે તેમના ચહેરા પર લેશમાત્ર થાક પણ વર્તાતો નથી.
પાંચ લાખથી વધુ ભક્તો ઉત્સવની મોજ માણશે
દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર તથા અન્ય સેવાભાવી લોકો દ્વારા ચા, પાણી, જમવા, નાસ્તો, આરામ કરવાથી લઈ દવા સુધીના તમામ જાતના કેમ્પ ધમધમી રહ્યા છે. 8 માર્ચના રોજ બપોરના બે થી ત્રણ વાગ્યા દરમિયાન ફુલડોલ ઉત્સવ જગત મંદિરની અંદર ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન લગભગ પાંચ લાખથી વધુ ભક્તો દ્વારકાધીશના દર્શન કરી આ ઉત્સવની મોજ માણશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.