દરેક ધર્મ સ્થાનનું પોતાનું અલગ મહત્વ હોય છે. તેમ દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર પર લહેરાતી 52 ગજની ધજાનું વિશેષ મહત્વ છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાનું શીષ ઝુકાવવા અહીં આવતા હોય છે અને પોતાની શ્રદ્ધા મુજબ માનતા પણ લેતા હોય છે. તે માનતા પૂર્ણ થતા જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી ધન્યતાનો અનુભવ કરે છે. જગતમંદિરના શીખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. જેમાં રંકથી લઈ મોટા કદાવર નેતા, ઉદ્યોગપતિ અહીં ધ્વજારોહણ કરવા આવે છે, પરંતુ આજે કદાચ જગત મંદિરના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની છે.
આજે મનોદિવ્યાંગ બાળકો દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના 35 મનોદિવ્યાંગ બાળકો તથા દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ ફાઉન્ડેશન દ્વારકાના 25 બાળકોએ સાથે મળી ધ્વજાનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ આ મનોદિવ્યાંગ બાળકો ભગવાનની ધૂનમાં નાચતા ગાતા ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પહોંચ્યા હતા. વારદાર પૂજારી દ્વારા આ બાળકોની શ્રદ્ધા જોઈ વિશેષ પૂજા કરાવી જગત મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશ કદાચ આજે સૌથી વધુ ખુશ થયા હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.