સુવિખ્યાત દ્વારકાધીશ મંદીરની સુરક્ષા સાથે યાત્રાળુઓની સેવા માટે પોલીસ સ્ટાફ હંમેશા સક્રિય રહે છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ મંદીરના ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા પોલીસ ઈન્સપેક્ટર પી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2022 દરમિયાન હોળી, જન્માષ્ટમી, દિવાળી તથા નાતાલ સહિતના તહેવારોમાં બાળકો, વડીલો તેમજ પરિવારથી વિખુટા પડી ગયેલા 145 જેટલા વ્યક્તિઓનું પુનઃ મિલન કરવામાં આવ્યું હતું.
જગત મંદિરમાં અલગ અલગ ભાગોમાં પોલીસ કંટ્રોલ રૂમ બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા પર્સ ગુમ થવા અંગેની ફરિયાદ અંગેની તપાસ કરી, કુલ 53 જેટલી કિંમતી વસ્તુ તથા પર્સ પરત અપાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહત્વના એવા ફૂલ ઉત્સવ, જન્માષ્ટમી, નૂતન વર્ષ તથા ક્રિસ્મસના તહેવારના બંદોબસ્ત દરમિયાન વિખુટા પડેલા બાળકો, વૃધ્ધો તેમજ કિંમતી વસ્તુઓ અંગે માઈકમાં એનાઉન્સમેન્ટ કરી, શ્રી દ્વારકાધીશ મંદીર સુરક્ષા પોલીસ સ્ટાફ મદદરૂપ થયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા ખાતે યાત્રાળુઓ, પ્રવાસીઓનો પ્રવાહ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી નક્કર અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા સાથેની સેવા યાત્રાળુઓમાં આવકારદાયક તથા રાહતરૂપ બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.