દ્વારકાધિશના દર્શને ભક્તોનું ઘોડાપુર:દિપાવલીના પર્વે લાખોની સંખ્યામાં ભક્તોએ શ્રીજીના દર્શન કર્યા; જગતમંદિર રોશનીથી સુશોભિત કરાયું; વેપાર-ધંધામાં ધીમી ગતિએ તેજી

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા

હિંદુ સંસ્કૃતિ માટે દિવાળી એટલે તહેવારોનો રાજા. યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે આ તહેવાર આપણી સંસ્કૃતિ અને પરંપરાનું અનેરૂ ઉદાહરણ છે. જેના ભાગરૂપે આજે જગતમંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

જગત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું
શ્રીરામ જ્યારે અસત્યના પ્રતીકરૂપ રાવણને પરલોક ધામ પહોંચાડી અયોધ્યા પરત ફર્યા, ત્યારે સમગ્ર ભારત વર્ષમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો હતો. લોકોએ પોતાના ઘરઆંગણે રંગોળી અને દીપ પ્રગટાવ્યા હતા. મીઠાઈઓ વહેંચી હતી અને લોકોએ એક બીજાને અભિનંદન આપ્યા હતા. દિવાળીનો તહેવાર એટલે ધનતેરસ, રૂપ ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ. આ તહેવારોનો સમૂહ એટલે દીપાવલી. આ વિશેષ દિવસો હર્ષ અને ઉલ્લાસના દિવસો હોઈ દ્વારકા ખાતે જગત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

લાખોની સંખ્યામાં ભક્તોએ શ્રીજીના દર્શન કર્યા
દ્વારકામાં તહેવારને લઈને યાત્રિકોનો પ્રવાહ ખુબ સરસ રહ્યો હતો. યાત્રાધામ દ્વારકામાં ઘણા સમયથી વેપારીઓ મંદીની માર ઝીલી રહ્યા હતા. ત્યારે યાત્રિકોના પ્રવાહથી વેપાર ધંધામાં ધીમી ગતિએ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી કોરોનાને લઈને લોકો ઘરમાં રહ્યા બાદ આ વખતે દિવાળીનું વેકેશન માણવા પરિવાર સાથે લોકોની પ્રથમ પસંદગી દ્વારકા રહી હતી. લાખોની સંખ્યામાં પર્યટકોએ દ્વારકા જગત મંદિરમાં શ્રીજીના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.

યાત્રિકોના પ્રવાહથી વેપાર ધંધામાં ધીમી ગતિએ તેજી
ભક્તિમય વાતાવરણની અંદર લોકો કુદરતી વાતાવરણ એટલે કે ગોમતી સ્નાન, દરિયાની મોજ તથા ગોમતી નદીની અંદર બોટિંગની મજા માણવાનું ચૂક્યા ન હતા. એકંદરે દિવાળીના મીની વેકેશનમાં લોકો દ્વારકા આવતા હોય છે, પરંતુ આ વર્ષ મોટી સંખ્યામાં લોકોએ દ્વારકા આવી અને મોજ માણી હતી. હોટલ-રેસ્ટોરન્ટ તથા અન્ય દુકાનોમાં પુષ્કળ પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. પોલીસ તંત્રે પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરી હોવાથી લોકોને અગવડતા પડી ન હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટી ન હતી.

અન્ય સમાચારો પણ છે...