દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના યુવા ડોક્ટર સોમાત ચેતરીયાએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટને સર કરી સૌરાષ્ટ્રમાં પ્રથમ એવરેસ્ટ ચડનારનું ગૌરવ ખંભાળીયા તથા દ્વારકા જિલ્લાને અપાવ્યું છે.અગાઉ આઠ હજાર મીટર ઉંચાઈનું મનાલુ શિખર સર કરનાર ડો.ચેતરીયાએ 24 કલાકમાં લહોત્સે તથા એવરેસ્ટ શિખર સર કરવાનો રેકોર્ડ પણ સર્જયો છે. તથા કેવળ કક્કાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ખંભાળીયાના આ યુવા તબીબે માત્ર આઠ માસમાં 10 ઉંચા પર્વતોને સર કરવાનો પણ નવો રેકોર્ડ સર્જયો છે.અગાઉ નેપાળના દુનિયાના આઠમા ક્રમના આઠ હજાર મીટરની ઉંચાઈના મનાસ્લુ પર્વત પર ચડીને રેકોર્ડ કરનાર આ તબીબે ગત ઓક્ટોબર 2021માં આ સિદ્ધિ મેળવી હતી. જે પછી સતત પ્રયાસો થકી એપ્રિલમાં એન્ડમાં ચડાઈ શરૂ કરી 21 દિવસે તા.14-5ના રોજ સવારે એવરેસ્ટ સર કર્યો હતો.
ગત ઓક્ટો.21માં મનાસ્લુ પર્વત સર કરી એવરેસ્ટ ચડવા માટે પાત્રતા મેળવીને આવેલા આ તબીબનું જે તે સમયે સન્માન થયું હતું.તેઓએ સતત પ્રેક્ટિસ ચાલુ રાખીને નબળા મનના માનવીને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ‘એ લોકકિત ચરીતાર્થ કરી બતાવી હતી.દેવભૂમિ દ્વારકા સહિત હાલારના તબીબો અને સામાજિક આગેવાનો તેઓને બિરદાવી રહયા છે. થોડા સમયમાં તેઓ નેપાળથી પરત ખંભાળિયા આવશે.
ભારે પરિશ્રમ બાદ સિદ્ધિ મેળવી
એવરેસ્ટ સર કરતા પુર્વે ગિરનાર અને ગોપ પર્વત પર યુવા તબીબે 20 કિલો વજન સાથે આઠ વખત ચડાણ-ઉતરાણની પ્રેક્ટિસ કરી હતી તથા એવરેસ્ટ સર કરવા માટે ખંભાળીયા રહીને જરૂરી તાલીમ લેવા માટે તેઓએ અમેરિકાથી હાઈપોક્સી ટેંટ પણ મંગાવી તેમાં રહી પ્રેક્ટિસ કરી હતી. ભારતમાં એવરેસ્ટ બેઝ કર્યા વગર સીધા એવરેસ્ટ પર જનારા પ્રથમ વ્યક્તિ ડો. સોમાત ચેતરીયા હોવાના અહેવાલ મળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.