દ્વારકા ન્યૂઝ:ખંભાળિયા નગરપાલિકાએ ટેક્ષ નહીં ભરનારાઓ વિરુદ્ધ તવાઈ બોલાવી, આંગણવાડીમાંથી તેલ ચોરાયું, પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લાના ખંભાળિયા નાગરપાલિકાએ કરવેરા નહીં ભરનારાઓ પર તવાઈ બોલાવી છે. નગરપાલિકા દ્વારા બાકીદારોને નોટિસ આપી નળ જોડાણો દૂર કરવા તથા, મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આંગણવાડીમાંથી તેલના ડબ્બા અને તેલના પાઉચની ચોરી થયાની ફરિયાદ ઉઠી છે. આ અંગે આંગણવાડી કર્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ખંભાળિયા પોલીસ ગરીબોની વહારે આવી છે. પોલીસ દ્વારા ગત રાત્રે ઠંડીથી ઠુંઠવાતા ગરીબ લોકોને ધાબળા આપી માનવતા મહેકાવી હતી.

નગરપાલિકાની કરવેરા નહીં ભરનારાઓ સામે કાર્યવાહી
ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા પાલિકાના કરવેરાની વસુલાત માટે છેલ્લા કેટલાક સમયથી કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. બાકીદારોને નોટિસ અપાયા બાદ નળ જોડાણો દૂર કરવા તથા મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારના કરવેરા બાકી હોવા અંગે મિલકત માલિકોને નોટિસો અપાયા બાદ પણ વેરા ભરપાઈ કરવામાં ન આવતા ગઈકાલે મંગળવારે નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ કરવેરા વિભાગના જીગ્નેશ મકવાણા તથા સ્ટાફ દ્વારા વધુ ચાર દુકાનો અને સીલ મારી દેવામાં આવ્યું છે. આમ, કડક હાથે કરવેરા વસૂલાતની કામગીરી માર્ચ સુધી અવિરત રીતે ચાલુ રહેશે તેવી વાત પાલિકા વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

આંગણવાડીમાંથી તેલના ટીન તથા પાઉચની ચોરી
મીઠાપુરના ટાઉન વિસ્તારમાં આવેલી એક આંગણવાડીમાંથી બે દિવસ પૂર્વે તેલના ડબ્બા તથા પાઉચની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણ અંગે મીઠાપુરમાં જુના ફ્લેટ વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા અફસાનાબેન ઈબ્રાહીમભાઇ ભીખલાણીએ મીઠાપુર પોલીસમાં માહિતી આપી હતી કે, સોમવારે બપોરે 2 વાગ્યાથી મંગળવારે સવારના 9:30 વાગ્યા સુધીમાં મીઠાપુર ટાઉન વિસ્તારમાં આવેલી આંગણવાડીના બે રૂમના પાછળના દરવાજાના આગરીયા તોડી, કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. આંગણવાડીમાં રાખવામાં આવેલા રૂપિયા 12 હજાર 100ની કિંમતના સીંગતેલ ભરેલા સાડા પાંચ ડબ્બા તથા 7,497 રૂપિયાની કિંમતના એક-એક લીટરવાળા 51 તેલના પાઉચ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. આમ, કુલ રૂપિયા 19,597ના મુદ્દામાલની ચોરી થવા સબબ મીઠાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ધાબળા વહેંચી પોલીસે માનવતા મહેકાવી
ખંભાળિયા શહેર પોલીસ દ્વારા માનવતાલક્ષી અભિગમ દાખવીને મંગળવારની રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠંડીથી ઠુંઠવાતા ગરીબ લોકોને ધાબળા ઓઢાડ્યા હતા. ખંભાળિયા શહેરના સ્લમ વિસ્તાર તથા રેલવે સ્ટેશન નજીક રહેતા ગરીબોને ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ધાબળાનું વિતરણ કરી, હાડ થીજાવતી ઠંડીમાં પ્રેમની હુંફ આપી હતી. તેના માટે ખંભાળિયા પોલીસ મથકના પી.એસ.આઈ. સિંગરખીયા તથા સ્ટાફ દ્વારા ધાબળા વિતરણની સેવા પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...