લોકમેળો:ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં કાગડાધરનો ભવ્ય મેળો; ત્રિ-દિવસીય લોકમેળાનું સુંદર આયોજન આજે સંપન્ન

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા શહેરની નજીકમાં આવેલા ધરમપુર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ નોમ, દશમ તથા અગિયારસના કાગડાધારના મેળા તરીકે ઓળખાતો આ લોકમેળો યોજાય છે. ખંભાળિયાના પાદરમાં આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં કાગધામ ખાતે યોજાતા દર્શનાર્થી મેળાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6 થી 8 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે. સોમવારથી શરૂ થયેલા આ લોકમેળાનું વિધિવત રીતે ઉદ્ઘાટન પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ બીજા દિવસે ગઈકાલે મંગળવારે સાંજે કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમ, ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ નકુમ તેમજ આ લોકમેળાના ધરમપુર રણુજા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ નકુમના હસ્તે આ લોકમેળા - દર્શનાર્થી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ લોકમેળાની ખાસિયત મુજબ અહીં કોઈપણ સ્ટોલ કે ચકડોળ અથવા રાઇડ્સ ધારકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. પરંતુ તેઓ દ્વારા સ્વૈચ્છિક રીતે લોકમેળા બાદ મંદિર ટ્રસ્ટને અનુદાન આપવામાં આવે છે. અહીં કોઈ મજબૂત પોલીસ બંદોબસ્તની પણ જરૂર રહેતી નથી.

આ લોકમેળા માટે આયોજકો તેમજ સંચાલકો દ્વારા ખાસ બેઠક બોલાવી અને બાળકો માટેની રાઇડ્સના રૂપિયા 20 સહિતના ભાવ બાંધણા તેમજ સફાઈ અંગેની બાબતને પ્રાધાન્ય આપવામાં આવતા આ બાબત લોકમેળામાં જતા શોખીનો તેમજ લોકો માટે આવકાદાયક અને અભિનંદનને પાત્ર બની છે. આ લોકમેળામાં ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આવે છે. ખાસ કરીને આ મેળો દર્શનાર્થી મેળો હોય અને આ માટે આ લોકમેળામાં બાળકોના મનોરંજનની બાબત પર ભાર રાખી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ લોકમેળાના સ્થળે પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતના સરપંચ, કારોબારી ચેરમેન, ટ્રસ્ટના સદસ્યો વગેરે દ્વારા ખભે ખભા મિલાવીને નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ લોકમેળાના સ્થળે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે જય ખોડીયાર રામામંડળ દ્વારા રામામંડળનો ધાર્મિક કાર્યક્રમ, રાત્રે 12 વાગે મહા આરતીના દર્શન યોજવામાં આવ્યા હતા. જ્યારે આજરોજ બુધવારે અંતિમ દિને સાંજે 7 વાગ્યે જાણીતા કલાકારો દ્વારા ભજન-સંતવાણીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા શહેરમાં તાજેતરમાં યોજાઈ ગયેલા લોકમેળામાં ભારે વિવાદ અને ઉહાપોહ તથા આક્ષેપ વચ્ચે ધરમપુર વિસ્તારના કાગડાધારના આ દર્શનાર્થી લોકમેળાનું આયોજન તેમજ સ્વચ્છતા સહિતના નિયમોની અમલવારી આવકારદાયક બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...