દ્વારકા શોકમગ્ન:જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન

દ્વારકા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિપક્ષના નેતા સહિત મહાનુભાવોનો શોક સંદેશ
  • દ્વારકામાં બજારો બંધ: શોકસભામાં અગગ્રણ્યોએ વ્યકત કર્યો શોક

દ્વારકા શારદાપીઠ અને જ્યોતિમઠના દ્વિપિઠાધિશ્વર જગતગુરૂ સ્વામી સ્વરૂપાનંદજી રવિવાર 99 વર્ષની વયે મધ્યપ્રદેશ સ્થિત આશ્રમમાં બ્રહ્મલીન થયાના સમાચારથી યાત્રાધામ દ્વારકા તથા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. દ્વારકા શારદાપીઠમાં બ્રહ્મલીન શંકરાચાર્યજીના આત્માને શ્રીધામમાં પરમાત્મા દ્વારકાધીશજી શાંતિ અર્પે તેના માટે સોમવારે શોકસભા સાંજે યોજાઇ હતી. આ શોકસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શ્રધ્ધાસુમન અર્પી હતી. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મૂર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓના શોક શંદેશ પ્રાપ્ત થયા હતા.

જયારે કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ શોક સંદેશો પાઠવ્યો હતો. જયારે મોટી સંખ્યામાં સંતો, મહંતોની નોંધપાત્ર હાજરી રહી હતી.દ્વારકાના વેપારીઓ દ્વારા બ્રહ્મલીન શંકરાચાર્યજીને શ્રદ્ધાંજલિ આપવા બપોર બાદ શહેરની બજારો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.1982માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે દ્વારકાના શારદાપીઠમાં પિઠાધિશ્વર તરીકે આરૂઢ થતા દ્વારકા ક્ષેત્રના અને શારદાપીઠના જિર્ણોદ્ધાર માટે દંડીસ્વામી સદાનંદજી મહારાજજીના વડપણ હેઠળ યોજનાઓ સાકાર કરી છે.

ગયા વર્ષે જ શંકરાચાર્યજીની ઈચ્છા મુજબ દંડીસ્વામી સદાનંદજી મહારાજે રૂપિયા સાડા આઠ કરોડના ખર્ચે દ્વારકા નજીક વિશાળ ભવ્ય ગુરુકુળનું પણ નિર્માણ કરેલ છે.પરમ તપસ્વી અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્યજી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સનાતન ધર્મના ધ્વજવાહક હતા.

આ શાશ્વત પવિત્ર ભારતની ધરતી પર 100 વર્ષ સુધી શાસ્ત્રોક્ત ધર્મનું સંચાલન કર્યા બાદ આપે પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને જ્યોતિષપીઠ બદ્રીનાથના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા અને સ્વામી સદાનંદ સરસ્વતીજીને દ્વારકા શારદા પીઠના વડા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બંને નામની જાહેરાત શંકરાચાર્યજીના નશ્વરદેહની સામે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને કરવામાં આવી હતી.

16 મંદિરમાં દર્શન બંધ રહેશે, નિત્યક્રમ યથાવત કરાશે: મંદિરના પૂજારી
દ્વારકાધીશ મંદિરમાં શારદાપીઠ સંચાલિત આવેલા 16 મંદિરો જેવા કે અષ્ટ પટરાણીના મંદિર, દેવકી માતાજી, ત્રિકમરાયજી, દુર્વાસાઋષિ તેમજ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરો શંકરાચાર્યજી સ્વરૂપાનંદજીના બ્રહ્મલીન થવાને લીધે મંદિરના પૂજારી આનંદભાઈ અને વિજયભાઈએ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...