ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું દ્વારકા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ પૂનમ માડમે ઉદ્ઘાટન કરી તમામ લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પૂનમ માડમે જણાવ્યું હતું કે, આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ ક્ષેત્રે વિકાસ થવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું કામ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત, રણ ઉત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવને આગળ લઈ જવાનું કાર્ય વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન દ્વારકાના આંગણે થયું છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દેશ વિદેશના પતંગબાજોને આ તકે સાંસદ પૂનમબેને આવકારીને દ્વારકાના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો. વિદેશી પતંગબાજોને ભારતની વસુદેવ કુટુંબકમ (વિશ્વ એક પરિવારની) ની ભાવના વ્યક્ત કરી કહ્યું કે, કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન મોદીના નેજા હેઠળ દેશના નાગરિકો સાથે સાથે અન્ય દેશોને પણ કોરોના પ્રતિરોધક રસી ભારત દેશે મોકલીને વિશ્વ એક પરિવારની ભાવનાને ચરિતાર્થ કરી હતી. સાંસદ દ્વારા આ પ્રસંગે ઉત્સાહ સાથે પતંગ ચગાવવાની સાથે જીવદયાનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વ નિમિતે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ. સાથે પતંગની જેમ દરેકનું જીવન વધુને વધુ ઉંચાઈને આંબે તેવી શુભકામનાઓ પાઠવી ઉતરાયણ પ્રસંગે દાનનું મહત્વ સમજાવ્યું હતું.
પતંગની દોરીથી કોઈ માનવી કે અબોલ જીવને ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખવા પણ તેમને અપીલ કરી હતી. દ્વારકા નગર પાલિકાના પ્રમુખ જ્યોતિ સામાણીએ આ સ્વાગત પ્રસંગે કહ્યું કે, વિકાસને વરેલી ગુજરાત સરકારે દ્વારકાના વિકાસમાં અને આપણી વિરાસતને ઉજાગર કરવામાં હંમેશા યોગદાન આપ્યું છે. તાજેતરમાં જ રૂક્ષ્મણી સરોવર માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 21 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનું તાજેતરમાં ખાતમુર્હુત કરાયું હતું. આ પ્રસંગે પ્રવાસન નિગમના મેનેજર અજિત જોશીએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં દેશ-વિદેશના પતંગબાજો, દ્વારકાવાસીઓ, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિ સામાણી, ઓખા નગરપાલિકાના પ્રમુખ, ડી.આર.ડી.એ. નિયામક એ.ડી. પરમાર, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.