દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને ગુનાહિત માનસ ધરાવતા કેટલાક શખ્સો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવા તેમજ અન્ય સ્થાનિકોને પરેશાન કરવા બાબતે નોંધાયેલા ગુના સંદર્ભે મરીન પોલીસે કડક કાર્યવાહી કરી, તેઓની જામીન અરજી રદ કરાવી જેલ હવાલે કર્યા છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એજાજ રજાક સંઘાર અને રિઝવાન રજાક સંઘાર નામના શખ્સોએ તેમના પરિવારજનોની સાથે મળીને સલાયાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા તેમના સંબંધી એવા સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમ ભગાડ તથા તેમના પુત્રો પર અગાઉ જીવલેણ હુમલો કર્યો હતો. જે સંદર્ભે સલાયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 307 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આટલું જ નહીં, આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે મહોરમના તહેવાર દરમિયાન આ જ શખ્સો તથા અન્ય આરોપીઓ પર પોલીસ પર હુમલો કરી, પોલીસના વાહનને નુકસાની પહોંચાડ્યાનો ગુનો પણ રજીસ્ટર થયો હતો. સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા ઉપરોક્ત આરોપીઓની જામીન અરજી રદ કરવા માટે ખંભાળિયાની સેશન્સ અદાલતમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ગંભીર ગુનાના આરોપી એવા રિઝવાન રજાક સંઘાર દ્વારા અગાઉ જમીન મેળવીને છૂટ્યા બાદ સલાયામાં છરીની અણીએ લૂંટ ચલાવી, મારી નાખવાની ધમકી આપવા સબબ ફરીથી તેની સામે જુદી જુદી કલમ હેઠળ વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પણ સલાયા મરીન પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના જામીન ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં રદ કરાવીને બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.