દેવભૂમિ દ્વારકા ક્રાઈમ ન્યૂઝ:મહિલાની હત્યામાં પતિને આજીવન કારાવાસ; સુરતના દર્શનાર્થીનો મોબાઇલ ચોરાયો; પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

દ્વારકા ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પતિને આજીવન કારાવાસની સજા...
કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામે રહેતા જસમતપરી જેરામપરી ગોસ્વામી દ્વારા પોતાના પત્ની રેખાબેન ઉપર અવારનવાર ચારિત્ર્ય બાબતની શંકા-કુશંકાઓ કરી, તેના દ્વારા પત્ની સાથે ઝઘડો કરવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપી જસમતપરી દ્વારા પોતાના પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ પણ આપી થોડા સમય પૂર્વે જસમતપરીએ રેખાને દોરડા વડે ગળેટુંપો આપી, માથાના ભાગે ત્રીકમનો હાથો મારી હત્યા નીપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

જે સંદર્ભે જેરામગર લખમણગર રામદતી (રહે. ચાસલાણાવાળા)એ જસમતપરી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સ્થાનિક પોલીસે ચાર્જસીટ તૈયાર કરી અને દ્વારકાની અદાલતમાં રજૂ કર્યું હતું. આના અનુસંધાને દ્વારકા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલ અમિત વ્યાસની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી જસમતપરી ગોસ્વામીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂપિયા 10 હજારનો દંડ તેમજ સ્ત્રી અત્યાચારના ગુનામાં 6 માસની કેદ અને રૂપિયા 1 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

સુરતના દર્શનાર્થીનો મોબાઇલ ચોરાયો...
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વિજય દિનેશ પરમાર નામના 27 વર્ષના યુવાન ગત તારીખ 30 જુલાઈના રોજ તેમના પત્ની સાથે દ્વારકા દર્શન કરવા આવ્યા હતા. ત્યારે દ્વારકાના મુખ્ય મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધી દર્શન જવા માટે તેઓ અન્ય મુસાફરો સાથે એક ઓટો રિક્ષામાં બેઠેલા હતા. તે દરમિયાન તેમનો રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી થયાનો બનાવ ગઈકાલે ગુરુવારે દ્વારકા પોલીસમાં નોંધાયો છે. જે સંદર્ભે પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ...
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા જેનુબેન આસિફભાઈ હિંગોરા નામની મુસ્લિમ પરિણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ તેણીના પતિ આસીફ હાજી હિંગોરા સામે મહિલા પોલીસ મથકમાં આઈપીસી કલમ 498 (એ), 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...