ખંભાળિયા શહેરમાં ગઈકાલે હોળી પર્વ નિમિત્તે કરવામાં આવેલી ઉજવણીમાં અનેક વિસ્તારોમાં ધાર્મિક માહોલ વચ્ચે હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં નાના-મોટી હોળીને પ્રસ્થાપિત કરી હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોશની તેમજ સંગીતના સથવારે પૂજન-અર્ચન તેમજ હોળીની 108 પ્રદક્ષિણા કરી લોકોએ ભક્તિભાવથી ઉજવણી કરી હતી.
સો વર્ષથી વધુ જૂની જગ્યાએ હોળી ઉજવાઈ
ખંભાળિયાની મધ્યમાં આવેલા ગગવાણી ફળી વિસ્તારમાં આશરે સો વર્ષથી વધુ જૂની પરંપરાગત જગ્યાએ હોળી ઉજવાઈ હતી. રાજાશાહીના વખતમાં જે હોળીનો ભવ્ય પ્રારંભ થયો તે હોળી સ્થળે ગઈકાલે સ્થાનિકો દ્વારા હોલિકા દહન સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા. ખંભાળિયામાં શરણેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગે ગગવાણી ફળી ચોકમાં એક મોટી હોળી તથા બાજુમાં ડાકણ તરીકે ઓળખાતી નાની હોળી બનાવી હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો
આશરે એક સદી જૂની ગગવાણી ફળી હોળી માટે સ્થાનિક અગ્રણી યોગેશ આચાર્ય, નીતિન ગણાત્રા, સુરેશ દંતાણી દિલીપ કછટીયા, સંજય દંતાણી, રામ કછટીયા, નીતિન આચાર્ય, ભીખુ દરજી, કમલેશ જોશી સહિતના સ્થાનિકોની મહેનતથી તૈયાર કરવામાં આવેલા હોલિકા દહનમાં વિવિધ કાર્યક્રમમાં દર્શન તથા પૂજન અર્ચનનો લાભ લેવા મોટી સંખ્યામાં સ્થાનિકો આવ્યા હતા. દાયકાઓ અગાઉ આ હોળીનો પ્રારંભ બાલુ હર્ષ તથા આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે હજુ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.