ખંભાળિયા શહેરના પાદરમાંથી પસાર થતી મહત્વની એવી ઘી નદીના વિકાસ માટે નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નદી વિસ્તાર એવા ખામનાથ પાસે બગીચો, ફુવારા, વિશાળ વૃક્ષો તથા અન્ય પ્રોજેક્ટ માટે અગાઉ નગરપાલિકાના પ્રાદેશિક નિયામક દ્વારા કરોડો રૂપિયા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ ખંભાળિયા શહેર દાયકાઓ અગાઉના રાજવી રાજા જામ સાહેબનું રાજગાદીનું સ્થળ હતું. અહીં જામનગરના દરેક રાજાનું રાજતિલક થતું હતું. જેની યાદગીરી રૂપે તીલાટ મેડી હજુ પણ અહીંના દરબારગઢ (મેઈન બજાર) વિસ્તારમાં સ્થાપિત છે. ત્યારે ગ્રાન્ટની રકમથી હેરિટેજ સ્થળોને વિકસાવવા નગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ઘી નદીના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત...
ખંભાળિયા શહેરના પાદરમાંથી પસાર થતી મહત્વની એવી ઘી નદીના વિકાસ માટે નક્કર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નદી વિસ્તાર એવા ખામનાથ પાસે બગીચો, ફુવારા, વિશાળ વૃક્ષો તથા અન્ય પ્રોજેક્ટ માટે અગાઉ નગરપાલિકાના પ્રાદેશિક નિયામક દ્વારા કરોડો રૂપિયા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી રાજ્યની નગરપાલિકા નિયામક કચેરી ખાતે ગુરુવારે યોજવામાં આવેલી ખાસ મિટિંગમાં ત્યાંથી આ પ્રોજેક્ટને મંજૂરી ન મળતા આ બાબતે ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તેમના દ્વારા તુરંત જ આ બાબતે નગરપાલિકા કમિશનર તથા અધિકારીઓને ઘી નદીના વિકાસની ગ્રાન્ટ ફાળવવા ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ બે ટર્મ સુધી ખંભાળિયામાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં શહેરનો નોંધપાત્ર વિકાસ થયો નથી. ખંભાળિયાની નજીકના પોરબંદર જિલ્લાને સ્પેશિયલ ગ્રાન્ટના રૂપિયા 40 કરોડ મળ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયાની જેમ મોરબી પણ અલગ અને નવો જિલ્લો છે, તેમાં પણ રૂપિયા 50 કરોડની ગ્રાન્ટ મળી હતી. ત્યારે છેવાડાના અને પછાત બની રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાને સ્પેશિયલ ગ્રાન્ટની કોઈ નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી નથી. જેથી ઘી નદીના વિકાસ માટે રૂપિયા 10 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ બાબત સંબંધિત તંત્રને ધ્યાને મુકવામાં આવી છે. એટલું જ નહીં, હાલ અહીં સત્તા પરિવર્તન બાદ ભાજપના ધારાસભ્ય છે. ત્યારે અહીંના કેબિનેટ મંત્રી દ્વારા મુખ્યમંત્રીને પણ આ મુદ્દે વિસ્તારપૂર્વકની રજૂઆત કરાઈ છે.
હેરિટેજ તરીકે વિકસાવવા પાલિકાના હોદ્દેદારોની રજૂઆત...
ખંભાળિયામાં પ્રાચીન કોતરણી તથા શિલ્પ - સ્થાપત્યયુક્ત ગઢની રંગ સાથે કિલ્લાના અવશેષો તથા પ્રાચીન દરવાજાઓ હજુ પણ હયાત છે. આ ઐતિહાસિક સ્થાપત્યો અને જીર્ણ થતાં તોતિંગ દરવાજાઓ અને રાંગ દીવાને વિકસાવવા તેમજ પ્રાચીન સંસ્કૃતિ તથા સ્થાપત્યોનું વારસા તરીકે રક્ષણ કરવાના હેતુથી ખંભાળિયા નગરપાલિકા અને અગાઉ શહેરની આગવી ઓળખ માટે ફાળવવામાં આવેલા રૂપિયા ત્રણ કરોડની રકમ આ સ્થળોને હેરિટેજ તરીકે વિકસાવવા માટે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમા ખંભાળિયા ગેઈટની જેમ ખંભાળિયામાં પોરબંદર ગેઈટ, દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ એમ ત્રણ સ્થળોએ પ્રાચીન દરવાજા તથા બારીઓ આવેલી છે. અહીં સ્થાપત્યો પણ જોવા મળે છે. આ ઉપરાંત શહેરમાં અમુક જગ્યાઓએ પ્રાચીન કિલ્લો (ગઢ) પણ છે. તેનું સમારકામ કરીને પ્રાચીન સ્થાપત્યો તરીકે વિકસાવી આવનારી પેઢી આ ઐતિહાસિક મૂલ્યને સમજે તે માટે આગવી ઓળખની ખાસ ગ્રાન્ટ આ કામ માટે મંજૂર કરવાની માગ કરવામાં આવી છે. મહત્વની બાબતે આ પંથકના વયોવૃદ્ધ વડીલો સાથે અગાઉની પેઢી પણ પ્રાચીન સ્થાપત્યોનું રક્ષણ અને વિકાસ ઈચ્છી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.