• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Helpline Service Launched For Stranded Birds; Program Held Under National Road Safety Week; Review Meeting Regarding Republic Day Celebration...

દ્વારકા ન્યૂઝ અપડેટ:દોરીથી ધવાયેલા પક્ષીઓ માટે હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ; રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો; પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે સમીક્ષા બેઠક...

દ્વારકા ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પતંગની દોરીથી ધવાયેલા પક્ષીઓ માટે હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ
ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે. જેમાં વધુ ઈજાઓ થતાં પક્ષીઓના મૃત્યુ પણ થતા હોય છે. દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત આવા પંક્ષીઓના જીવ બચાવવા માટે સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વન વિભાગ અને પશુપાલન વિભાગ તેમજ સંલગ્ન તંત્ર દ્વારા પતંગ ચગાવવામાં પંખીઓ ઘાયલ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તેમજ ચાઈનીઝ માંઝા અથવા તો કાચથી પાયેલા દોરાનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા 24 કલાક 1926 હેલ્પ લાઈન, પશુપાલનની હેલ્પલાઇન 1962 તેમજ વોટસએપ નં. 8320002000 ઉપર 'karuna' કરીને પક્ષીને બચાવવા માટે જાણ કરી શકાય છે. આ અભિયાન તા. 20 જાન્યુઆરી સુધી ચાલશે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો...
ખંભાળિયાની આર.ટી.ઓ. કચેરી ખાતે આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર એમ.એ.પંડ્યા અને જિલ્લા પોલિસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ તા. 17 જાન્યુઆરી સુધી નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતના ઘટાડા અને રોડ સેફ્ટી અર્થે વિવિધ કામગીરી તથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને ભારત સરકાર દ્વારા દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવે છે અને રોડ સેફ્ટી પ્રમોટ કરવા વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમમાં પ્રાસંગીક ઉદ્દબોધન કરતા એ.આર.ટી.ઓ. અધિકારી તલસાનિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. જેમાં લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે અને રોડ પર સલામતીથી વાહન ચલાવે તો પોતાની અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે.

વધુમાં તેઓ આગામી તા. 17 જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમો કરીને લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાનું કામ પણ કરશે. ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. એન.ડી. કાલોતરા, આરોગ્ય વિભાગના ડો. પાર્થ, અહીંના ઉદ્યોગપતિ પરાગભાઈ બરછા, હિતેન્દ્ર આચાર્ય, લાયન્સ ક્લબના વિનુભાઈ બરછા અને રેડ ક્રોસ સંસ્થાના પંકજભાઈ પંડ્યાએ ટ્રાફિક અંગે ઉદબોધન કર્યા હતા. રોડ સેફ્ટી બાબતે શેરી નાટકો, હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પઇન, ડ્રાઈવર તાલીમ અને શાળા તથા કોલેજમાં માર્ગ સલામતીલક્ષી સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે સમીક્ષા બેઠક...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખંભાળિયામાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીની પૂર્વ તૈયારી સંદર્ભે ખાસ બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર દ્વારા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર ભુપેશ જોટાણીયા, ડી.આર.ડી.એ. નિયામક એ.ડી.પરમાર, ડી.વાય.એસ.પી. પરમાર તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...