ગુજરાત રાજ્યના નવા પ્રધાન મંડળમાં ભાજપના સિનિયર નેતાઓ, જેઓ દ્વારકા ક્ષેત્રથી ખૂબ જ પરિચિત છે. તેવા રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરાના પ્રધાનમંડળમાં સમાવેશ થતાં દ્વારકા પંથકમાં આનંદ છવાયો છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ સતત આઠમી વખત ધારાસભ્ય બન્યા હોય ત્યારે હાલારના નેતાઓના સંગમથી દ્વારકા યાત્રાધામના વિકાસની ગતિ વધુ તેજ બનશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપ વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં પણ ખાસ કરીને દ્વારકા અને બેટદ્વારકાના વિકાસ માટે વિશેષ યોજનાઓ જાહેર કરી હતી. જેમાં દ્વારકા ક્ષેત્ર પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરીડોર બનાવાશે. તથા દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા બનાવવાની પણ વાત કરવામાં આવી છે. આ યોજના હવે વહેલી તકે સાકાર થશે તે વાતને પણ સમર્થન મળી રહ્યું છે. આમ જોઈએ તો વર્તમાન સમયમાં રૂપિયા એક હજાર કરોડના અંદાજિત ખર્ચ સાથે શિવરાજપુર બીચના વિકાસનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું પણ રૂપિયા 962 કરોડના ખર્ચે બેટને જમીન માર્ગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય પણ પૂરજોશમાં થઈ રહ્યું છે. ત્યારે બન્ને મંત્રીઓ દ્વારકાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.