દાયકાઓ જૂની સમસ્યા હજુ યથાવત:‘બબ્બે સપ્તાહે નહીં, અઠવાડિયે એકવાર પાણી આપો’; સલાયાવાસીઓનો પોકાર

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12થી 15 દિવસે થાય છે પાણી વિતરણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક સલાયામાં લગભગ બારથી પંદર દિવસે એકવખત પાણી મેળવતા નાગરીકોએ હવે એવો પોકાર વર્ણવ્યો છે કે,અમોને સપ્તાહમાં એક દિવસ તો પાણી આપો. જોકે,પાણી મુદદે તંત્ર આ હકીકતનો સ્વીકાર કરવા તૈયાર નથી અને ધરાર ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું હોય એમ ગામવાસીઓને ક્યારેક અગિયાર દિવસ તો ક્યારેક બાર કે પંદર દિવસે એક વખત પાણી નસીબ થાય છે.

નાના તથા મધ્યમ પરિવારોને પંદર દિવસ સુધી પાણી કઈ રીતે સંગ્રહ કરવુ એની કાયમી વિમાસણમાં રહે છે.પાણી વિતરણમાં રમાતા કથિત રાજકારણની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી છે. સલાયામાં પિસ્તાલીસ હજાર જેટલી વસ્તી છે. જેમાં મોટાભાગે વહાણવટુ તથા માછીમારી કરનારા સમાજના લોકો વસવાટ કરે છે.

મોટાભાગના પરિવારો મધ્યમ કે નાના વર્ગના કે સામાન્ય કક્ષાએ કૂબામાં રહે છે. ત્યારે આવા પરિવારોને જ્યારે બાર થી પંદર દિવસે એક વખત પાણી આપવામાં આવતું હોય ત્યારે આ લોકો પંદર દિવસ સુધી પાણીનો કેવી રીતે સંગ્રહ કરે? એની કાયમી ચિંતામાં રહે છે. જવાબદાર તંત્ર આ કડવી વાસ્તવિક્તાનો લગીરેય અનુભવ કરવા તૈયાર નથી. જેથી સમસ્યા સંદર્ભે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાનો આક્રોશ વ્યકત થઇ રહયો છે.

આમ છતાં ગ્રામજનો દ્વારા આ બાબતે અવિરતપણે અનેક રજુઆતો કરવામાં આવી રહી છે છતાં તંત્ર લાચાર હોય એમ કોઈ નકકર આયોજન કરીને પાણી સમસ્યાનો ચોક્કસ હલ થઈ શક્યું નથી.સ્થાનિક કક્ષાએ પણ આ સમસ્યામાં જાણીબુઝી કથિત રાજકારણ કરવામાં આવતું હોવાથી આ સમસ્યાનો ચોક્કસ સમયમાં અંત આવી જશે એવી શક્યતા નથી એવો લોકોમાં પણ સુર ઊઠવા પામ્યો છે.

કાળઝાળ ગરમી સાથે આવા આકરા તાપમાનમાં જ્યારે પાણી માટે કથિત કૃત્રિમ સમસ્યા સર્જાતી હોય ત્યારે પ્રજાને સાચી સમસ્યામાંથી ઉગારવા માટે ઉચ્ચ કક્ષાથી નોંધ લેવામાં આવે એ જરૂરી બની રહયુ હોવાનો આક્રોશ સ્થાનિક લોકો વ્યકત કરી રહયા છે.

પાલિકા પાસે હાલ અડધી પાણી સ્ટોરેજ ક્ષમતા
સલાયા નગરપાલિકાના વોટર વર્કસ શાખાનાં ડેવિડ વ્યાસે જણાવ્યું હતું કે, નગરપાલિકા પાસે 6 એમ એલ ડી પાણી સ્ટોરેજની ક્ષમતા સામે હાલ 3 એમ એલ ડી પાણી સંગ્રહ થઈ સકે એટલી ક્ષમતા છે અને હાલ નલ સે જલ યોજનાનું સમાવેશ કરવામાં આવ્યું છે જેની હાલ પ્રક્રિયા ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...