મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના આનંદપુર ખાતે પૂ.રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે. આ વિસ્તારના ગરીબો આદિવાસીઓ અને વનવાસીઓ વિગેરે લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત અનેકવિધ સેવાઓ આશ્રમ દ્વારા થાય છે. અદ્યતન હોસ્પિટલ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા, સંસ્કૃત શાળા, ગૌશાળા અને ખેતી સુધારણા સહિતની વિવિધ સેવાઓ સતત ચાલુ છે. દરવર્ષે 50 હાજર જેટલા આંખના ઓપરેશન પણ થાય છે.
રાજકોટના વતની ડો. વિષ્ણુ જોબનપુત્રા, તેમના ધર્મપત્ની ભારતીબેન અને બહેન ઈલાબેને પોતાનું સમગ્ર જીવન સેવા કર્યો માટે સમર્પિત કરી દીધું છે. તેઓ આશ્રમનું બેનમૂન સંચાલન કરી રહ્યા છે. અહીંના વિશાળ સેવાસંકુલના નિર્માણમાં જાણીતા ઉદ્યોગપતિ અરવિંદ મફતલાલ ગ્રુપનું પ્રભાવી યોગદાન છે.
સેવાના આ ધામમાં ગણાત્રા ફાઉન્ડેશન (યુ.કે.) ના ટ્રસ્ટીઓ હિતેન ગણાત્રા, અમરીશ ગણાત્રા, અભિષેક ગણાત્રા અને કપિલ જોબનપુત્રાએ પૂ. મોરારીબાપુની 913 મી રામ કથાનુ આયોજન તારીખ 11 થી 19 માર્ચ સુધી કર્યું હતું. કથાની સાથે સાથે 913 વૃક્ષારોપણ અને નવ હજાર ગરીબોને ખાધા-ખોરાકની કીટ સહિત ઘણા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને કપડાં અને મહિલાઓને સાડીઓનું વિતરણ પણ કરાયું હતું. વિતરણનું આ કાર્ય કથા શરૂ થઈ તે પહેલાથી શરૂ કરી દેવાયુ હતું અને એક મહિના સુધી ચાલ્યું હતુ.
લટેરી વિસ્તારના અટપટા ભૌગોલિક સ્થાનોના પરિચિત અને છેલ્લા અનેક દાયકાઓથી ગરીબોની સેવામાં કાર્યરત રહેલા ઈલાબેન જોબનપુત્રાના માર્ગદર્શન મુજબ કાર્યકરો વિતરણ માટે સંસ્થાની બસમાં જઈને સેવા આપતા હતા. આ સેવા પ્રવૃત્તિમાં સો જેટલા ગામડાઓ અને કસ્બાઓને આવરી લેવામાં આવ્યા હતા.
લંડનથી અત્રે ખાસ આવેલા ગણાત્રા ફાઉન્ડેસન ટ્રસ્ટના મોભી દિનેશ ગણાત્રા અને ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહના અગ્રણી વિનોદ પંચમતિયા પણ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા અને સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના ગુરુભાઈઓની આ અથાક સેવાથી પ્રભાવિત થયા હતા.
દ્વારકાની પ્રખ્યાત સેવાકીય સંસ્થા શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરાયું
ગરમીની શરૂઆત થતાં જ ભયંકર તડકો પડી રહ્યો છે. જેના કારણે જીવ માત્રને તાપ સહન કરવો પડી રહ્યો છે. મનુષ્ય તો પોતાના ઘર અંદર પંખા, એસી વગેરેનો ઉપયોગ કરી, ઠંડા પાણી શરબત વગેરેનો ઉપયોગ કરી શીતળતા પ્રાપ્ત કરી લે છે. પરંતુ પક્ષીઓ માટે આ સમય એક સમસ્યાનો સમય હોય છે. કારણ કે મનુષ્ય કોંક્રેટ જંગલો બનાવતા ગયા છે. ઝાડ, પાન, લીલોતરી ઓછી થવાના કારણે પક્ષીઓ માટે ખાવા પીવા તો ઠીક પણ આશરો મેળવવાનો પણ મુશ્કેલ બન્યું છે.
દ્વારકાની પ્રખ્યાત સેવાભાવી સંસ્થા શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પક્ષીઓ માટે એક સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજરોજ દ્વારકાના ત્રણબત્તી ચોક ખાતે આ શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીઓ માટે માળા તથા તેમના પીવા માટે પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
આ સંસ્થાના પ્રમુખ ઈશ્વર ઝાખરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક લોકોએ આવા પક્ષીઓ માટે માળા તથા પાણીના કુંડા ઘર આંગણે, ઓસરીમાં રાખવા જોઈએ જેના કારણે આવા પક્ષીઓ આવા આકરા તાપમાં રહેવાનો આશરો મળી શકે. શક્ય હોય તો તમામ લોકોએ ઘરની છત અથવા ફળિયામાં બાજરો, જુવાર, ચોખા વગેરે જેવા ધાન્યના દાળા નાખવા જોઈએ જેથી કરીને પક્ષીઓ પોતાનું જીવ અસ્તિત્વ ટકાવવા આવા ચણ ચણીને જીવન ગુજારી શકે. મોબાઈલ આવતા ચકલી શેષ માત્ર થવા લાગી છે ત્યારે લોકોએ આ સુંદર મજાના જીવને બચાવવા ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.